નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે વધુ એક ઐતિહાસિક સોપાન ઉમેરાયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા દિલ્હી સ્થિત AIIMS ખાતે ‘ગ્લોબલ હેલ્થમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI in Global Health) માટેના ઈન્ડો-ફ્રેન્ચ કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ વૈશ્વિક સ્વાસ્થ્ય ક્ષેત્રે AI આધારિત ઉકેલો, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે ‘વિઝા’ ની ભેટ અને મોટું લક્ષ્ય
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોને ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં વાર્ષિક આશરે 10,000 ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાન્સ જાય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના વિઝન મુજબ વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા 30,000 સુધી લઈ જવાનો અમારો લક્ષ્મ્યાંક છે.
વિઝા પ્રક્રિયા થશે સરળ અને પ્રેક્ટિકલ
મેક્રોને વિઝા પ્રક્રિયામાં રહેલી મુશ્કેલીઓ સ્વીકારતા કહ્યું કે, “જો કોઈ વિદ્યાર્થી ફ્રાન્સમાં 3 વર્ષ માટે PhD કરવા આવતો હોય અને તેને માત્ર 1 વર્ષના વિઝા આપવામાં આવે તો તે અતાર્કિક છે. અમે વિઝા ફેસિલિટી અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયાને વધુ સરળ અને ‘સ્ટ્રીમલાઇન’ કરવા જઈ રહ્યા છીએ જેથી તે વિદ્યાર્થીઓની અપેક્ષા મુજબની અને વ્યવહારુ બની રહે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ફ્રેન્ચ યુનિવર્સિટીઓ અને હાઈસ્કૂલો ભારતમાંથી વધુ ને વધુ ટેલેન્ટ મેળવવા માટે હવે આક્રમક રીતે જોડાણ કરશે.
ગ્લોબલ હેલ્થમાં AIની ભૂમિકા
AIIMS દિલ્હી ખાતે આ કેમ્પસની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારત અને ફ્રાન્સની શૈક્ષણિક શ્રેષ્ઠતાને જોડીને આરોગ્ય ક્ષેત્રે નવી ક્ષમતાઓનું નિર્માણ કરવાનો છે. AI દ્વારા રોગોનું વહેલું નિદાન, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ હેલ્થકેર સોલ્યુશન્સ પર બંને દેશોના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરશે.
આ મુલાકાતથી સાબિત થયું છે કે ભારત અને ફ્રાન્સ માત્ર સંરક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ શિક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મજબૂત ભાગીદાર તરીકે ઉભરી રહ્યા છે.
