ગાંધીનગર: આજે 30 જાન્યુઆરી, ‘વિશ્વ રક્તપિત્ત દિવસ’ નિમિત્તે ગુજરાત સરકારે રક્તપિત્ત નાબૂદી ક્ષેત્રે મેળવેલી મોટી સફળતાના આંકડા જાહેર કર્યા છે. રાજ્યના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર પ્રતિ 10,000 વસ્તી દીઠ 1 કરતા પણ ઓછો નોંધાયો છે, જે દર્શાવે છે કે ગુજરાત આ રોગને જડમૂળથી ઉખેડવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારના સઘન પ્રયાસોને પરિણામે 11,640 થી વધુ દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ નવું જીવન જીવી રહ્યા છે.
‘સ્પર્શ’ જાગૃતિ અભિયાન પખવાડિયું
કેન્દ્ર સરકારની થીમ ‘Ending Discrimination, Ensuring Dignity’ (ભેદભાવનો અંત, ગૌરવની ખાતરી) ને અનુરૂપ ગુજરાતમાં 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી “સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન – પખવાડિયા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્ત વિશે સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાને દૂર કરવાનો છે. સરકાર આ રોગથી અસરગ્રસ્ત દર્દીઓ પ્રત્યે આદર અને સ્વીકૃતિ વધારવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરશે.
સારવારની સાથે ગૌરવપૂર્ણ પુનર્વસન
ગુજરાતે માત્ર દવાઓ આપવા પૂરતું મર્યાદિત ન રહીને દર્દીઓના ગૌરવ અને પુનર્વસન માટે એક મોડેલ સ્થાપિત કર્યું છે. આ અંતર્ગત:
રોગને કારણે વિકલાંગતા ધરાવતા દર્દીઓ માટે 81 રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી છે. દર્દીઓના પગના રક્ષણ માટે 26,120 થી વધુ માઈક્રો સેલ્યુલર રબર (MCR) શૂઝનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. દર્દીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે.
ઝડપી નિદાન અને મફત સારવાર
આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રક્તપિત્ત એ ચેપી રોગ હોવા છતાં તેનો ઈલાજ શક્ય છે. શરીર પરના આછા, સંવેદના વગરના ડાઘા એ રક્તપિત્ત હોઈ શકે છે. જો તેનું વહેલું નિદાન થાય તો વિકલાંગતા આવતી અટકે છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રક્તપિત્તની સારવાર (MDT) મફત ઉપલબ્ધ છે.
