ગાંધીનગર: ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટે સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ગૃહ રાજ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી (નાયબ મુખ્યમંત્રી કક્ષાના) હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ‘આત્મનિર્ભર ગુજરાત-2022’ યોજના હેઠળ કુલ ₹1371 કરોડથી વધુના મૂડીરોકાણોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોત્સાહક સહાયથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
જિલ્લાવાર અને સેક્ટરવાર રોકાણની વિગતો
બેઠકમાં મુખ્યત્વે ત્રણ જિલ્લાઓમાં મોટા પાયે મૂડીરોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે:
ભરૂચ જિલ્લો: કેમિકલ સેક્ટરમાં ₹491.28 કરોડના રોકાણને મંજૂરી.
હિંમતનગર (સાબરકાંઠા): ફૂડ અને એગ્રો સેક્ટરમાં ₹402.08 કરોડના રોકાણને મંજૂરી.
વડોદરા જિલ્લો: મિનરલ્સ સેક્ટરમાં ₹478.02 કરોડના મૂડીરોકાણને મંજૂરી. આ મંજૂરીઓને કારણે રાજ્યના ટેક્ષટાઇલ ક્ષેત્રે પણ નવી ઊર્જાનો સંચાર થશે, જેમાં 11 એકમોને ₹202 કરોડની સંભવિત સહાયની જાહેરાત કરવામાં આવી છે.
પારદર્શક વહીવટ: બે મહિનાથી ઓછા સમયમાં નિકાલ
રાજ્ય સરકારના ‘ઓનલાઇન મોડ્યુલ’ અને ‘ફીઝીકલ ટચ પોઈન્ટ’ નિવારવાના અભિગમને કારણે વહીવટી પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બની છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટરની આ અરજીઓ પર માત્ર બે મહિનાથી પણ ઓછા સમયમાં કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારનો આ પ્રો-એક્ટિવ અભિગમ ઉદ્યોગકારોમાં વિશ્વાસ પેદા કરી રહ્યો છે.
નવી રોજગારી અને આર્થિક વિકાસ
આ મૂડીરોકાણોથી રાજ્યમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ હેઠળ જે એકમોને મંજૂરી મળી છે, તેઓ ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરશે. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં અન્ય પ્રોજેક્ટ્સને પણ ઝડપથી મંજૂરી આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
