દેશમાં જ્યારે મહિલા સશક્તિકરણ અને ‘આત્મનિર્ભર ભારત’ની વાત થતી હોય ત્યારે આણંદ જિલ્લાના ગામડી ગામના કોમલબેન ચૌહાણનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે. “નમો ડ્રોન દીદી” યોજના અને સખી મંડળના માધ્યમથી કોમલબેને માત્ર પોતાની જ નહીં, પણ ગામની અનેક મહિલાઓની કિસ્મત બદલી નાખી છે. આજે તેઓ એક સફળ ‘લખપતિ દીદી’ તરીકે ઉભરી આવ્યા છે.
વડાપ્રધાન સાથેનો સંવાદ અને પ્રેરણાની ક્ષણ
કોમલબેન ચૌહાણ, જેઓ ‘આસ્થા સખી મંડળ’ ના સભ્ય છે, તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં તેમની પસંદગી થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેમની સાથે લાઈવ સંવાદ કર્યો, ત્યારે તે વાતચીતે કોમલબેનને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ આપ્યો. કોમલબેન કહે છે કે, “વડાપ્રધાનશ્રી સાથેની તે મુલાકાત મારા માટે જીવનની સૌથી મોટી પ્રેરણા બની ગઈ.”
શૂન્યમાંથી સર્જન: ૧૦ થી ૧૫ હજારની માસિક આવક
વડાપ્રધાન પાસેથી મળેલી પ્રેરણા બાદ કોમલબેને ગામની અન્ય ૫૦ થી ૬૦ બહેનોને સંગઠિત કરી. આજે આ બહેનો પેચવર્ક અને હસ્તકલાના અદભૂત કાર્યો કરે છે. ગણપતિની મૂર્તિઓ અને આકર્ષક તોરણો બનાવે છે. દરેક મહિલા આજે પોતાના ઘરમાં આર્થિક મદદરૂપ બની રહી છે અને મહિને રૂ. ૧૦ થી ૧૫ હજારની કમાણી કરી રહી છે. કોમલબેન પોતે હવે લખપતિ બની ચૂક્યા છે. તેમની વાર્ષિક આવક હવે રૂ. ૧ થી ૨ લાખની વચ્ચે પહોંચી ગઈ છે, જેના કારણે તેમના પરિવારના જીવનધોરણમાં ધરખમ સુધારો આવ્યો છે.
સશક્ત નારી મેળામાં જોડાવા ભાવભરી અપીલ
હાલમાં આણંદના પ્રમુખસ્વામી હોલ ખાતે ૨૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન “સશક્ત નારી મેળો” યોજાઈ રહ્યો છે. કોમલબેને આણંદના નગરજનોને નમ્ર અપીલ કરતા જણાવ્યું છે કે, “નગરજનો આ મેળાની મુલાકાત લે અને બહેનો દ્વારા બનાવેલી પ્રોડક્ટ્સ સીધી ખરીદે. તમારી એક ખરીદી વડાપ્રધાનના ‘હર ઘર સ્વદેશી’ ના સ્વપ્નને સાકાર કરશે અને અનેક બહેનોના ચૂલા સળગાવવામાં મદદરૂપ થશે.”