ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર કાઢવા માટે અનેક વાર તેના માલિક દ્વારા તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. ત્યારે આખરે હવે આ ટેન્કર બ્રિજ પરથી હટશે તેવી આસા દેખાઈ છે. આણંદના ગંભીરા બ્રિજ પરથી લટકી રહેલા ટ્રકને બહાર કાઢવાની જટિલ કામગીરી આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. આણંદ વહીવટી તંત્રે આ પડકારરૂપ કાર્ય માટે પોરબંદરની મરીન સેલ્વેજિંગમાં નિષ્ણાત એવી વિશ્વકર્મા ગ્રુપની MERC (મરીન ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર) ટીમને જવાબદારી સોંપી છે.
આ અંગે માહિતી આપતા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, “ટ્રકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે, આ ઓપરેશન દરમિયાન બ્રિજના સ્ટ્રક્ચરને કે કોઈ વ્યક્તિને નુકસાન ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રકને નીચે ઉતારવા માટે ખાસ ન્યુમેટિક એરબેગ્સ, હાઈડ્રોલિક સ્ટ્રેન્ડ જેક અને એન્જીનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટીલીવર જેવા અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવા માટે પુલથી ૯૦૦ મીટર દૂર એક હંગામી કચેરી પણ શરૂ કરવામાં આવી છે. આયોજન મુજબ, આ ઓપરેશન આગામી ત્રણેક દિવસમાં પૂરું કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે. ત્યારે આ ટેન્કરના માલિક દ્વારા તેને પરત મેળવવા માટે અનેક રજુઆતો કરી હતી. પરંતુ ટેન્કરને બ્રિજ પરથી હટાવવામાં ઘણુ જોખમ હોવાના કારણે આ કામગીરીમાં વિલંબ થયો હતો.