અમદાવાદ: ગુજરાતને ટેકનોલોજી, ઇનોવેશન અને નોલેજ આધારિત અર્થતંત્રનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે અમદાવાદ ખાતે એક ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાતીઓના ડીએનએમાં ડેવલપમેન્ટ છે. આઝાદીના સમયથી ગુજરાતે દેશનું રાજકીય અને આર્થિક નેતૃત્વ કર્યું છે, અને હવે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરવા સજ્જ છે.” તેમણે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં દેશના ટોપ-૩ રાજ્યોમાં લાવવાની નેમ વ્યક્ત કરી હતી.
65 એકરનું હાઈ-ટેક સિટી અને 70,000 આઈટી જોબ્સ
અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર હાઈ ગ્રોથ કોરિડોર પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આશરે 65 એકર વિસ્તારમાં આ ટેક સિટી વિકસાવવામાં આવી રહી છે. ગણેશ ગ્રુપના આ મેગા પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે :
આધુનિક સેક્ટર્સ: આ ટેક પાર્કમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને સેમિકન્ડક્ટર જેવા અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન અપાશે.
રોજગારીનું સર્જન: આ પ્રોજેક્ટના માધ્યમથી રાજ્યના આશરે 70 હજારથી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતા યુવાનો માટે આઈટી અને સર્વિસ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અહીં ગ્રેડ-એ ઓફિસ સ્પેસ, રહેણાંક સુવિધાઓ, રિટેલ મોલ્સ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવશે આધુનિકતા
લોકાર્પણ કરાયેલી અન્ય સંસ્થા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ વિશે વાત કરતા અમિત શાહે જણાવ્યું કે, આ સંસ્થા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રોફેશનલિઝમ લાવશે. અહીં આધુનિક અર્બન પ્લાનિંગ અને ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો દ્વારા કુશળ માનવસંસાધન તૈયાર કરવામાં આવશે.
અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને ધોલેરા SIR વચ્ચે અંદાજે ₹20,000 કરોડના ખર્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ આધુનિક કનેક્ટિવિટી વૈશ્વિક રોકાણકારોને આકર્ષવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.
સાણંદ-ધોલેરાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને ગિફ્ટ સિટીની ફાયનાન્સિયલ સિસ્ટમ આગામી સમયમાં ‘ગુજરાત 2.0’ અને ‘વિકસિત ભારત 204૭’ના સપનાને સાકાર કરવામાં એન્જિન બનશે તેવો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિઓએ વ્યક્ત કર્યો હતો.
