ગાંધીનગર: પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે સમગ્ર દક્ષિણ એશિયામાં એક નવો ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’ નું અત્યંત ભવ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવી આ ફોરમનું આયોજન દક્ષિણ એશિયામાં પ્રથમવાર ભારતના આંગણે થઈ રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંયુક્ત રીતે આ વૈશ્વિક કોન્ફરન્સનો શુભારંભ કરાવવામાં આવશે.
આ વર્ષે ‘સર્ક્યુલર ઇકોનોમી : ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી’ (Circular Economy: Transition for People and Prosperity) ની ખાસ થીમ હેઠળ આ સત્ર યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત આધુનિક સર્ક્યુલર ઇકોનોમી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વસ્તુઓનો પુનઃઉપયોગ (Reuse), રીફર્બિશિંગ (Refurbishing) અને રિસાઇક્લિંગ (Recycling) કરીને કુદરતી સંસાધનોની બચત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહેલા આ મહાકુંભનું આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનલેન્ડનું સિત્રા (Sitra), પર્યાવરણ મંત્રાલય, ગુજરાત સરકાર અને GPCB ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
૬૫ થી વધુ દેશોમાંથી ૨,૦૦૦ થી વધુ અગ્રણી પ્રતિનિધિઓ ભાગ લેશે
આ આંતરરાષ્ટ્રીય સમિટમાં વિશ્વના અંદાજે ૬૫ થી વધુ દેશોમાંથી ૨,૦૦૦ થી વધુ અગ્રણી પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં બિઝનેસ લીડર્સ, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગસાહસિકો અને શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત મિક્કો કિવિકોસ્કી તેમજ નેધરલેન્ડ્સના આબોહવા મંત્રાલયના ડાયરેક્ટર મેરીકે સ્પાઇકરબોઅર જેવા વૈશ્વિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. બે દિવસ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ગ્રીન જોબ્સ, રિન્યુએબલ એનર્જી, સર્ક્યુલર ફાઇનાન્સ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ૪ પ્લેનરી અને ૧૬ થીમેટિક સત્રો યોજાશે.
આ સાથે યોજાનારા ઇન્ટરનેશનલ એક્સ્પોમાં ૧૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ પોતાના ઇનોવેટિવ સોલ્યુશન્સ અને ટકાઉ મોડેલ્સ રજૂ કરશે. પરિષદ બાદ ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર દરમિયાન હાઇબ્રિડ મોડમાં ૮૦ થી વધુ એક્સેલરેટર સત્રોનું પણ આયોજન થશે. ૧૬ સપ્ટેમ્બરે યોજાનારા સમાપન સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ, ફિનલેન્ડના પર્યાવરણ મંત્રી સારી મુલ્તાલા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. આ પરિષદથી ગુજરાત વિશ્વ ફલક પર પર્યાવરણીય ક્રાંતિનું નવું કેન્દ્ર બનીને ઊભરશે.