ગાંધીનગર: ગુજરાત ભાજપ સંગઠનમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મોટા ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર થયેલી આ યાદીમાં અનુભવી નેતાઓ અને યુવા ઉત્સાહનું અદભૂત મિશ્રણ જોવા મળી રહ્યું છે.
ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓની નિમણૂક
નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રીઓની વરણી કરવામાં આવી છે. જેમાં ભરતભાઈ પંડ્યા અને અરવિંદભાઈ પટેલ સહિત કુલ ૧૦ નેતાઓને વિવિધ જિલ્લાના ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ છે. અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત ૪ મહામંત્રીઓની નિમણૂક કરાઈ છે. સોનલબેન સોલંકી, આશાબેન નકુમ અને પ્રીતિબેન પટેલ સહિત ૧૦ મંત્રીઓનો સમાવેશ થાય છે.
મોરચાના પ્રમુખોની જાહેરાત
વિવિધ મોરચામાં પણ પાયાના ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં અમરેલીના યુવા નેતા હિરેનભાઈ હિરપરાની કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. વડોદરા શહેરના ડો. હેમાંગભાઈ જોષીને યુવા પાંખની કમાન સોંપાઈ છે. મહિલા મોરચા પ્રમુખ તરીકે સુરત શહેરના અંજુબેન વેકરીયાની વરણી કરવામાં આવી છે. એસ.ટી. મોરચા પ્રમુખની જવાબદારી સુરત જિલ્લાના દિગ્ગજ નેતા ગણપતભાઈ વસાવાને સોંપાઈ છે.
મુખ્ય પ્રવક્તા અને મીડિયા ટીમ
સંગઠનની વાત જનતા સુધી પહોંચાડવા માટે પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે કર્ણાવતીના ડો. અનિલ પટેલ અને મીડિયા ઇનચાર્જ તરીકે રાજકોટ શહેરના પ્રશાંતભાઈ વાળાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, કર્ણાવતીના ડો. પરિન્દુ ભગતને કોષાધ્યક્ષ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.
આ નવી ટીમમાં સામાજિક જ્ઞાતિ સમીકરણો અને ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના પ્રાદેશિક સંતુલનને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
