બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આ પરિસ્થિતિને નાથવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રોગચાળાના મૂળ સમાન જર્જરિત પાઈપલાઈનોને બદલવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
વિજય ટોકીઝ અને ટીમ્બા મહોલ્લામાં સૌથી વધુ અસર
તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, બાલાસિનોરના બે વિસ્તારોમાં રોગચાળાની અસર વધુ જોવા મળી છે. અહીં કમળાના ૩૬ કેસો નોંધાયા છે, જેના પગલે ૨૮૦ મકાનોનો સઘન સર્વે કરાયો છે. ટીમ્બા મહોલ્લામાં ૨૨ કેસો નોંધાયા છે, જ્યાં ૭૦ મકાનોને આવરી લઈને આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પાણી અને ગટરની લાઈનો દૂષિત થતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે.
૬૦૦ મીટર પાઈપલાઈન બદલવાનું કામ પ્રગતિમાં
રોગચાળાને જડમૂળથી ઉખેડવા માટે તંત્રએ માત્ર દવાઓ જ નહીં, પણ પાયાની સુવિધા સુધારવા પર ભાર મૂક્યો છે. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે ૬૦૦ મીટર જેટલી જૂની અને લીકેજ વાળી પાઈપલાઈન બદલવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
કમિટીના જણાવ્યા મુજબ, પાઈપલાઈન બદલાયા બાદ પ્રદૂષિત પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે. જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ચાલુ રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રહીશોને પાણી ઉકાળીને પીવા અને સ્વચ્છતા જાળવવા સતત તાકીદ કરવામાં આવી રહી છે.
