અમદાવાદ: અમદાવાદની અગ્રણી સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા અને સંવેદનશીલતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સાચી સંજીવની હોવાનો પુરાવો આપ્યો છે. સરહદી કચ્છ જિલ્લાના એક સામાન્ય શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ (Bilateral Choanal Atresia) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ જટિલ ઓપરેશન પાર પાડીને નવજીવન આપ્યું છે. આ સફળતા અંગે ગૌરવ વ્યક્ત કરતા રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલો આજે રાજ્યના ગરીબો, વંચિતો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની રહી છે.”
લાખો રૂપિયાની જટિલ સર્જરી એકપણ રૂપિયાના ખર્ચ વિના વિનામૂલ્યે કરાઈ
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સિવિલ હોસ્પિટલના તબીબોના આ ભગીરથ કાર્યને મુક્તકંઠે બિરદાવતા ઉમેર્યું કે, સામાન્ય રીતે કોર્પોરેટ અને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આવી અત્યંત જટિલ, નાજુક અને સંવેદનશીલ સર્જરીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક સંસાધનોના સહારે એકપણ રૂપિયાના ખર્ચ વિના તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે. આ સફળતા સિવિલ હોસ્પિટલની અદ્યતન ટેકનોલોજી, કુશળ ડૉક્ટરો અને મલ્ટી-ડિસિપ્લિનરી ટીમવર્કનું ઉત્તમ પરિણામ છે.
જન્મતાની સાથે જ શ્વાસ રુંધાતો હતો: ભુજથી અમદાવાદ સુધીની સફર
આ કેસ અંગે વિગતવાર માહિતી આપતા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ એસ. જોશીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના નલિયા ખાતે મજૂરી કામ કરીને પેટ ગુજારતા અનમોલ નોડના ઘરે ગત ૧ મે, ૨૦૨૬ના રોજ સામાન્ય પ્રસૂતિ દ્વારા ૨ કિલો વજન ધરાવતી બાળકી ‘બેબી અનમોલ’નો જન્મ થયો હતો. જો કે, જન્મતાની સાથે જ બાળકી નાકથી શ્વાસ ન લઈ શકતા તેનો દમ ઘૂંટાતો હતો. સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર બાદ તેને તાત્કાલિક ભુજ રિફર કરવામાં આવી હતી. ભુજમાં ૬ દિવસની સઘન સારવાર છતાં બાળકીની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખરે ચિંતાતુર પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્વાર ખખડાવ્યા હતા.
તા. ૮ મે, ૨૦૨૬ના રોજ સિવિલના પીડિયાટ્રિક વિભાગના હેડ ઓફ યુનિટ ડૉ. ચારુલ મહેતાની કાળજી હેઠળ બાળકીને તાત્કાલિક એન.આઈ.સી.યુ. (NICU) માં દાખલ કરાઈ હતી. તપાસ દરમિયાન બાળકીના નાકમાંથી રાયલ ટ્યુબ (ખાદ્ય નળી) પસાર ન થતાં તબીબો ચોંક્યા હતા. શંકાના આધારે તાત્કાલિક સીટી સ્કેન (CT Scan PNS) કરાવતા બાળકીને ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. જેથી બાળકીનો જીવ બચાવવા તાકીદે મોં વાટે ખાસ નળી નાખીને ઓક્સિજન સપોર્ટ પર લેવામાં આવી હતી.
બારીકાઈપૂર્વક ઓપરેશન અને વેન્ટિલેટર પર ૫ દિવસનો કપરો સમય
ડૉ. જોશીએ ઉમેર્યું કે, ગત તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ પીડિયાટ્રિક સર્જરીની નિષ્ણાત ટીમ દ્વારા આ માસૂમ બાળકીની અત્યંત જટિલ એવી “એન્ડોસ્કોપિક ટ્રાન્સનેસલ કોઆનોપ્લાસ્ટી” (Endoscopic Transnasal Choanoplasty) સર્જરી કરવામાં આવી હતી. અત્યંત બારીકાઈ પૂર્વકની આ માઇક્રો-સર્જરીમાં નાકનો બંધ માર્ગ કુશળતાપૂર્વક દૂર કરી, સેપ્ટેક્ટોમી પ્રક્રિયા દ્વારા શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ નાજુક ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મૃણાલિની અને તેમની ટીમે બાળકીને એનેસ્થેસિયા આપવાની ગંભીર જવાબદારી ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી હતી.
ઓપરેશન સફળ થયા બાદ પણ નવજાત શિશુના નાજુક શરીર માટે પડકાર પૂરો થયો ન હતો. પોસ્ટ-ઓપરેટિવ કેર માટે બાળકીને ફરી NICU માં ખસેડાઈ હતી, જ્યાં ડૉ. ચારુલ મહેતા, ડૉ. કોમલ ચૌધરી અને ડૉ. પ્રિયંકા ગજ્જરની ટીમે સતત ૫ દિવસ સુધી બાળકીને વેન્ટિલેટર પર રાખીને પળેપળની બારીક દેખરેખ રાખી હતી. પાંચમા દિવસે બાળકીને વેન્ટિલેટરથી મુક્ત કરાઈ અને નાકમાં મુકેલી નળીઓ પણ તબક્કાવાર હટાવી લેવામાં આવી હતી. હાલ ‘બેબી અનમોલ’ સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઈપણ પ્રકારના કૃત્રિમ સપોર્ટ વિના કુદરતી રીતે નાકથી શ્વાસ લઈ રહી છે તેમજ માતાનું દૂધ પણ સારી રીતે પી રહી છે.
શું છે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ ખામી?
‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ એ એક એવી જટિલ, દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી છે, જેમાં નવજાત બાળકના નાકના બંને છિદ્રો પાછળના ભાગેથી હાડકા અથવા પેશીઓના પડદાને કારણે સંપૂર્ણપણે બંધ હોય છે. આવા બાળકો નાકથી બિલકુલ શ્વાસ લઈ શકતા નથી. તેઓ જ્યારે રડે છે ત્યારે જ માત્ર મોં વાટે થોડો શ્વાસ લઈ શકે છે. નવજાત શિશુઓ માટે આ સ્થિતિ અત્યંત કટોકટીભરી ગણાય છે, કારણ કે તેમાં ઓક્સિજનની ગંભીર ઉણપ થતાં આખું શરીર વાદળી પડી જવાનું અને ત્વરિત મૃત્યુ થવાનું જોખમ ખૂબ વધી જાય છે. સામાન્ય રીતે આ અતિ દુર્લભ ખામી દર ૫ થી ૮ હજાર બાળકોમાં કોઈ એકમાં જ જોવા મળે છે, જેમાં પણ પુરુષો કરતાં બાળકીઓમાં આ પ્રમાણ વધુ હોય છે.
