ગાંધીનગર: ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) એક અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયો અને મુખ્યમંત્રીના કડક વલણ અંગે મીડિયાને વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા, સરકારી પ્રોજેક્ટ્સની ઝડપ વધારવા અને નાગરિકોની સુવિધાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માટે મુખ્યમંત્રીએ તમામ વિભાગોને રોકડા પરખાડતી કડક સૂચનાઓ આપી છે.
સરકારી પ્રોજેક્ટ્સના વિલંબને ટાળવા નવી SOP બનાવવા આદેશ
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના બજેટમાં મંજૂર થયેલા વિકાસકાર્યો શરૂઆતના તબક્કે જમીન સંપાદન (Land Acquisition) અથવા વન વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોની એન.ઓ.સી. (NOC) મેળવવામાં વિલંબને કારણે અટકી પડતા હોય છે. આ વહીવટી વિલંબને કાયમી ધોરણે ટાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય સચિવને તાત્કાલિક એક નવી અને કડક એસ.ઓ.પી. (SOP – Standard Operating Procedure) તૈયાર કરવા આદેશ આપ્યો છે, જેથી તમામ સરકારી મંજૂરીઓ સત્વરે અને સમયબદ્ધ રીતે મળી જાય.
બાંધકામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં, એન્જિનિયરો લાઇન-લેવલ તપાસે
રાજ્યમાં ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગના કામો અંગે મુખ્યમંત્રીએ લાલ આંખ કરી છે. તેમણે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે સરકારી બાંધકામોની ગુણવત્તા સાથે સહેજ પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ પણ ક્ષતિ ન રહેવી જોઈએ. બિલ્ડિંગના લાઇન-લેવલ, પ્લાસ્ટર અને ફ્લોરિંગ જેવી અત્યંત બારીક અને નાની બાબતોમાં પણ એન્જિનિયરો દ્વારા બેદરકારી કે દુર્લક્ષ સેવવામાં આવશે તો તેમની સામે પગલાં લેવાશે. જ્યાં પણ કામમાં ત્રુટિ જણાય ત્યાં કોન્ટ્રાક્ટર પાસે ત્વરિત સુધારો કરાવવા આદેશ કરાયા છે.
ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ખાલી તળાવો ભરવા તાકીદ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં પ્રી-મોન્સૂન (Pre-Monsoon) કામગીરી અત્યંત વેગથી અને સમયસર પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સુસજ્જ રહેવા જણાવ્યું છે જેથી પ્રજાને હાલાકી ન ભોગવવી પડે. આ ઉપરાંત, ઉનાળાની સ્થિતિને જોતા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા શહેરી વિસ્તારોમાં વિકસિત કરાયેલા જે તળાવો હાલમાં સૂકાભઠ્ઠ કે ખાલી છે, તેને ભરવા માટે તાત્કાલિક સ્થાનિક પાણીના સ્ત્રોત શોધીને સત્વરે પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ છે.
સ્વચ્છતા માટે પંચાયતોમાં અલગ ‘હેડ’ અને વૃક્ષારોપણ માટે ખાસ ફંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાયાના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને ગામડાઓ સુધી વધુ મજબૂત કરવા માટે એક મોટો વહીવટી નિર્ણય લેવાયો છે. હવેથી ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતાની પ્રવૃત્તિઓ માટે બજેટમાં એક અલગ ‘હેડ’ (Financial Head) ઊભું કરવામાં આવશે જેથી સ્વચ્છતા માટે ફંડની કમી ન રહે. આ સાથે જ, શહેરી વિસ્તારો અને નગરપાલિકાઓમાં ગ્રીન કવર વધારવા તેમજ મોટા પાયે વૃક્ષારોપણ કરવા માટે શહેરી વિકાસ વિભાગને વિશેષ અલગ ફંડ ફાળવવા માટે પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે.