વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટેનું ₹5036.71 કરોડના ખર્ચનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટને કમિશનરે “વિરાસતથી વિકાસ” નામ આપ્યું છે, જેમાં શહેરના ઐતિહાસિક વારસાને જાળવવાની સાથે આધુનિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. પાલિકાને આ વર્ષે ₹4861.23 કરોડની આવક થવાનો અંદાજ છે.
પાણી અને પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ભાર
વડોદરાના નાગરિકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે ₹800 કરોડના ખર્ચે નવા સ્ત્રોત ઊભા કરાશે. ખાસ કરીને શહેરના નવા ભળેલા (OG) વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાને પ્રાધાન્ય અપાયું છે.
આવક માટે પ્લોટનું મોનિટાઈઝેશન અને બોન્ડ
વિકાસના કામો માટે ભંડોળ એકત્ર કરવા પાલિકા હસ્તકના અંદાજીત 1200 પ્લોટમાંથી પ્લોટનું વેચાણ કરીને ₹600 કરોડની આવક ઊભી કરાશે. આ ઉપરાંત:
- બ્લ્યુ બોન્ડ: પાણીના પ્રોજેક્ટ્સ માટે ₹200 કરોડ.
- ગ્રીન બોન્ડ: પર્યાવરણલક્ષી કામો માટે ₹100 કરોડ મેળવવાનું આયોજન છે.
શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર
વડોદરાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે:
- કુલ 10 નવા બ્રિજ બનાવવાનું આયોજન (5 કાર્યરત છે).
- ₹330 કરોડના ખર્ચે 80 નવા રોડનું નિર્માણ.
- મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને 8000 નવા આવાસો.
- ₹150 કરોડના ખર્ચે અત્યાધુનિક VMC બિલ્ડિંગ અને 6 નવા ફાયર સ્ટેશન.
સાંસ્કૃતિક અને મનોરંજનના પ્રકલ્પો
- આરતી પરંપરા: સુરસાગર અને બાપોદ તળાવ ખાતે સાપ્તાહિક આરતીનું આયોજન અને તળાવ ડેવલપમેન્ટ.
- નવા ઓડિટોરિયમ: સમા, માંજલપુર અને સેવાસી ખાતે 3 નવા ઓડિટોરિયમ બનશે.
- એકવાટિક પાર્ક: શહેરીજનો માટે મનોરંજનનું નવું કેન્દ્ર.
- સ્પોર્ટ્સ: ₹350 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન.
ટેકનોલોજી અને પર્યાવરણ
પ્રદૂષણ ઘટાડવા ઈ-બસો શરૂ કરાશે અને શહેરની એન્ટ્રી પર ભવ્ય ગેટ બનાવાશે. કામોની ગુણવત્તા જળવાય તે માટે ખાસ ‘ક્વોલિટી કંટ્રોલ સેલ’ અને શહેરના આયોજન માટે ₹100 કરોડના ખર્ચે GIS 3D સિસ્ટમ શરૂ કરવામાં આવશે.