પંચકુલા (હરિયાણા): શિક્ષણના મંદિરો ગણાતી શાળાઓમાં બાળકોની સુરક્ષા અને દેખરેખને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હરિયાણાના પંચકુલા સ્થિત સેક્ટર ૨૦ની સંસ્કૃતિ મોડેલ સ્કૂલ (Sanskriti Model School) માં એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને જાણીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં ૨૮ ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા આઠ વર્ષના એક સગીર બાળકે શાળાની જ કેન્ડરગાર્ટનની વિશેષ જરૂરિયાતો (Special Needs) ધરાવતી છ વર્ષની માસૂમ બાળકી પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી આ હિંસક ઘટનાએ વાલીઓ અને સમગ્ર શૈક્ષણિક જગતમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત બાળકીને લેવા માટે આવેલો ઓટો ડ્રાઇવર સ્કૂલ પહોંચ્યો અને બાળકી ગાયબ હોવાનું જણાવ્યું. બાળકીના પિતા તાત્કાલિક સ્કૂલ દોડી આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાએ, જેણે અગાઉ બાળકી સાથે ઝઘડો કર્યો હતો, તેણે જ પરિવારને પ્રથમ માળ પર નિર્દેશ કર્યો જ્યાં માસૂમ લોહીથી લથપથ અને બેભાન અવસ્થામાં પડી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી બાળકે માસૂમને ફર્નિચર પર પછાડી અને ત્યારબાદ તેના પર ઈંટ, પથ્થર કે ફ્લાવરપોટથી નિર્દયતાથી પ્રહાર કર્યા હતા. ગંભીર ઇજા પામેલી બાળકીને તાત્કાલિક સેક્ટર ૬ની સિવિલ હોસ્પિટલ અને બાદમાં ચંદીગઢની પીજીઆઈ (PGIMER) માં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ ભયાનક ઘટના બાદ શાળાના સંચાલકો અને શિક્ષકોની ભૂમિકા સામે મોટા પ્રશ્યો ઉભા થયા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આટલી મોટી અને લાંબી હિંસક ઘટના શાળાના રૂમમાં બનતી રહી છતાં કોઈ પણ શિક્ષક કે સ્ટાફ કેમ વચ્ચે ન આવ્યો? લાંબા સમય સુધી બાળકી ગાયબ હોવા છતાં શાળાએ તેની નોંધ કેમ ન લીધી? એવા પણ અહેવાલો છે કે શિક્ષકોની અછતના કારણે બંને બાળકો એક જ ક્લાસરૂમમાં બેસતા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર ૨૦ના એસએચઓ યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમારની ટીમે શાળા મેનેજમેન્ટ અને આરોપી બાળકના વાલીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે.
આ દુર્ઘટનાએ બાળ વર્તણૂક અને કાયદાકીય જોગવાઈઓ પર પણ ચર્ચા છેડી દીધી છે. ભારતીય કાનૂની માળખા મુજબ, ૭ વર્ષથી નીચેના બાળકોને ફોજદારી રીતે જવાબદાર ગણી શકાતા નથી, અને ૭ થી ૧૨ વર્ષના બાળકો માટે પણ વિશેષ સંરક્ષણ જોગવાઈઓ છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે પુખ્ત વયના જેવી ટ્રાયલની જોગવાઈ લાગુ પડતી નથી. તેમ છતાં, આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સુરક્ષા, શિક્ષકોની જવાબદારી અને બાળકોમાં વધતી જતી આક્રમકતા સામે કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત ઊભી કરી છે.
