રાજકોટ: સાયબર ઠગાઈના વધતા જતાં કિસ્સાઓ વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ એક અત્યંત ચોંકાવનારા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં પોલીસે ₹1500 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કને શોધી કાઢ્યું છે. આ કેસમાં વધુ 3 આરોપીઓ – આદિલુદ્દીન મોહમ્મદ, મિહિર રંગાની અને હિરેનની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી કુલ ધરપકડનો આંકડો 9 પર પહોંચ્યો છે.
માર્કેટિંગ યાર્ડની પેઢીઓનો હથિયાર તરીકે ઉપયોગ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી અત્યંત શાતિર રીતે બેન્ક ખાતાઓ (Mule Accounts) ઓપરેટ કરતી હતી. તેઓએ ખાસ કરીને Yes Bank, Axis Bank અને ICICI Bank માં ખાતાઓ ખોલાવ્યા હતા. કૌભાંડનો સૌથી મોટો ખુલાસો એ છે કે, આરોપીઓ ખેતીવાડી માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલી પેઢીઓના નામે વ્યવહારો કરતા હતા. ખેતીલક્ષી એકમોને મળતી ટેક્સ મુક્તિનો લાભ ઉઠાવીને આ ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી.
ગેમિંગ અને GST ચોરી સાથે પણ કનેક્શન
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ₹1500 કરોડ માત્ર સાયબર ઠગાઈના જ નથી, પરંતુ તેમાં ગેરકાયદેસર ઓનલાઇન ગેમિંગ અને GST ચોરીના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.
કમિશન મોડલ: આરોપીઓને પ્રત્યેક ₹1 લાખના વ્યવહાર પર ₹300 થી ₹400 નું કમિશન મળતું હતું.
દેશવ્યાપી ફરિયાદો: આ ટોળકી વિરુદ્ધ સમગ્ર ભારતમાં કુલ 180 ફરિયાદો નોંધાયેલી છે, જેમાંથી 21 ફરિયાદો માત્ર ગુજરાતમાં છે.
રકમ ફ્રીઝ: પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓના વિવિધ ખાતાઓમાં રહેલી ₹23.14 કરોડ જેટલી મોટી રકમ ફ્રીઝ કરી દીધી છે.
પોલીસ તપાસ તેજ
SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. હજુ પણ એક આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે. માર્કેટિંગ યાર્ડની આડમાં ચાલતા આ હવાલા અને સાયબર ફ્રોડના કાળા કારોબારમાં હજુ પણ અનેક મોટા નામો સામે આવવાની શક્યતા છે.
