નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ભક્તિસભર માહોલમાં શાકોત્સવ તેમજ ‘જોળી પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામીના મંગલ સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો હરિભક્તોએ સહભાગી થઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
જોળી પ્રથા: ભક્તોના કલ્યાણનો માર્ગ
સદગુરુ ત્યાગવલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવતા જોળી પર્વનો ઈતિહાસ વાગોળ્યો હતો. તેમણે જણાવ્યું કે, “BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ ઉત્તરાયણના દિવસે સ્વયં જોળી માંગવા નીકળતા હતા. આ કોઈ માગણવૃત્તિ નથી, પરંતુ ભક્તોના કલ્યાણ માટેનો એક માર્ગ છે. જોળીમાં એક મુઠ્ઠી અનાજ આપનાર ભક્તની પણ આર્થિક સંકળામણ દૂર થાય અને તેનું કલ્યાણ થાય તેવો દિવ્ય ભાવ આ પ્રથા પાછળ છુપાયેલો છે.” આજે પણ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આ પરંપરા દ્વારા સૌ પર આશીર્વાદ વર્ષાવી રહ્યા છે.
લક્ષ્મીના સદુપયોગનો મહિમા
સાળંગપુરથી પધારેલા વિદ્વાન સંત આત્મતૃપ્ત સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, શાસ્ત્રોની મર્યાદા મુજબ દરેક શ્રદ્ધાળુએ પોતાની આવકનો દસમો (દશાંશ) કે વીસમો (વિશાંશ) ભાગ ભગવાનના કાર્યો માટે અર્પણ કરવો જોઈએ. તેમણે દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું હતું કે જે ભક્તો પોતાની કમાણીનો અંશ પરમાત્માના ચરણે ધરે છે, તેમને ક્યારેય આર્થિક મુશ્કેલીઓ નડતી નથી.
શાકોત્સવનો દિવ્ય પ્રસાદ
કાર્યક્રમના અંતે હજારો હરિભક્તોએ શિસ્તબદ્ધ રીતે જોળી પર્વમાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાનના પ્રિય એવા રીંગણના શાક અને બાજરીના રોટલાના ‘શાકોત્સવ’ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. નડિયાદ મંદિરના કોઠારી સર્વમંગલ સ્વામીએ પણ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર ઉત્સવનું સફળ સંચાલન સંત નિર્દેશક અક્ષરનયન સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
