મુંબઈ: સાઉથ સુપરસ્ટાર ધનુષ અને બોલિવૂડ તેમજ તેલુગુ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી મૃણાલ ઠાકુરના લગ્નની અટકળોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો વાયરલ થઈ રહ્યા છે કે આ જોડી આગામી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ એટલે કે વેલેન્ટાઈન ડેના રોજ એક ખાનગી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જોકે, આ સમાચારોમાં કેટલી સત્યતા છે તે અંગે મોટો ખુલાસો થયો છે.
મૃણાલ ઠાકુરની ‘શાંત’ પ્રતિક્રિયા
લગ્નની અફવાઓ વચ્ચે મૃણાલ ઠાકુરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. એક બોટ પર સૂર્યાસ્તનો આનંદ માણી રહેલી મૃણાલે કેપ્શનમાં લખ્યું, “Grounded, glowing and unshaken!” (જમીન સાથે જોડાયેલી, ચમકતી અને અડગ!). તેની આ પોસ્ટને ચાહકો અફવાઓ સામેનો જવાબ માની રહ્યા છે, જેમાં તે સ્પષ્ટપણે કહી રહી છે કે તે આ પ્રકારની વાતોથી વિચલિત નથી.
નજીકના સૂત્રોએ અફવાઓને ફગાવી
આ બાબતે કલાકારોના નજીકના સૂત્રોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “મૃણાલ આવતા મહિને લગ્ન નથી કરી રહી. આ માત્ર પાયાવિહોણી અફવા છે જે સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે.” વધુમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં મૃણાલની ફિલ્મો રિલીઝ થવાની છે, જેના કારણે તે અત્યંત વ્યસ્ત છે. વર્ક કમિટમેન્ટ્સની વચ્ચે લગ્નનું કોઈ પ્લાનિંગ નથી.
ક્યાંથી શરૂ થઈ આ ચર્ચાઓ?
ધનુષ અને મૃણાલના સંબંધોની ચર્ચા ઓગસ્ટ ૨૦૨૫થી શરૂ થઈ હતી. મૃણાલની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’ના પ્રીમિયર વખતે ધનુષ સાથેની તેની મુલાકાતનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ ધનુષની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ની રેપ-અપ પાર્ટીમાં પણ મૃણાલની હાજરીએ ચાહકોમાં કુતૂહલ જગાવ્યું હતું. જોકે, હજુ સુધી બંને કલાકારોમાંથી કોઈએ પણ પોતાના સંબંધો અંગે સત્તાવાર મહોર મારી નથી.
વર્તમાન સંજોગો જોતા લાગે છે કે ધનુષ અને મૃણાલના લગ્નની વાત માત્ર ફેન્સની કલ્પના છે. મૃણાલ અત્યારે પોતાની ફિલ્મી કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
