ગાંધીનગર: વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના અત્યંત લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ રાજ્ય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ સ્તંભ સ્વ. યોગેશ પટેલ (યોગેશ કાકા) ના દુઃખદ નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું છે. આ કડીમાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં સદગતના આકસ્મિક અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં જ સૌથી પહેલાં સદગતના જાહેર જીવનના પ્રદાનને યાદ કરતો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના તમામ મંત્રીઓએ ઉભા થઈને સદગતના દિવ્ય આત્માની ચિરશાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પોતાની ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી.
સતત ૮ ટર્મ સુધી અજેય રહેનારા જનતાના હૃદયસમ્રાટ : જીતુભાઈ વાઘાણી
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વ. યોગેશભાઈના જીવન-કવન અને તેમની સેવાકીય સફરને વાગોળતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘યોગેશ કાકા’ ના હુલામણા નામથી લોકપ્રિય બનેલા યોગેશ પટેલ વડોદરાની પ્રજાના હૃદયમાં એક વિશિષ્ટ અને સર્વોચ્ચ સ્થાન ધરાવતા અજેય નેતા હતા. તેમણે રાજ્ય વિધાનસભામાં સતત ૮ ટર્મ સુધી પહેલાં રાવપુરા અને ત્યારબાદ મતવિસ્તારના સીમાંકન પછી માંજલપુર બેઠકના જનપ્રતિનિધિ તરીકે દાયકાઓ સુધી પ્રશંસનીય સેવા આપી હતી. વડોદરાના મતદારોએ પક્ષથી પર થઈને દાયકાઓ સુધી તેમના પર અવિરત અને અતૂટ વિશ્વાસ મૂક્યો હતો, જે તેમની જનપ્રિયતાની સાબિતી છે.
મંત્રી પદ હોવા છતાં અજોડ સાદગી અને વડોદરાને આપી ‘શિવનગરી’ ની ઓળખ
જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, યોગેશ કાકાએ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ અત્યંત નિષ્ઠાપૂર્વક અને વહીવટી કુશળતાથી સેવાઓ આપી હતી. મંત્રી જેવા ઉચ્ચ પદ પર હોવા છતાં તેમની સાદગી, નમ્રતા અને સામાન્યમાં સામાન્ય માણસના કામ માટે હંમેશા ૨૪ કલાક ઉપલબ્ધ રહેવાની તેમની અનન્ય કાર્યશૈલી અજોડ હતી.
તેઓ ભગવાન શિવના પરમ ભક્ત અને પ્રખર ઉપાસક હતા. તેમણે જ વડોદરાને માત્ર ‘સંસ્કારી નગરી’ જ નહીં, પરંતુ ભવ્ય મહાશિવરાત્રી ઉત્સવના માધ્યમથી ‘શિવનગરી’ તરીકેની એક નવી વૈશ્વિક ઓળખ આપી હતી. વડોદરાની આન-બાન અને શાન સમાન ઐતિહાસિક ‘શિવજીની ભવ્ય સવારી’ (યાત્રા) ના આયોજન અને સંચાલન સાથે તેઓ વર્ષો સુધી અતૂટ રીતે જોડાયેલા રહ્યા હતા.
પાયાના પ્રશ્નોના નિરાકરણમાં અમૂલ્ય યોગદાન
વડોદરા શહેરના આધુનિક વિકાસમાં, ખાસ કરીને સામાન્ય નાગરિકોને સ્પર્શતા પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ અને ડ્રેનેજ જેવા પાયાના જટિલ પ્રશ્નોના કાયમી નિરાકરણમાં તેમનું યોગદાન હંમેશા અમૂલ્ય રહેશે. વડોદરાની સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઓળખના તેઓ સાચા પ્રણેતા હતા. જીતુભાઈ વાઘાણીએ ભારે હૈયે ઉમેર્યું હતું કે, યોગેશ કાકા જેવા એક નિષ્ઠાવાન, નીડર અને ઉમદા જનસેવકના જવાથી માત્ર વડોદરાને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના જાહેર જીવનને ક્યારેય ન પુરાય તેવી બહુ મોટી અને અસહ્ય ખોટ પડી છે.
