વાઘોડિયા: વડોદરામાં રહીને કોચિંગ ક્લાસ ચલાવતા ચાર શિક્ષક મિત્રો માટે પાવાગઢનો પ્રવાસ જીવનનો છેલ્લો પ્રવાસ સાબિત થયો છે. રવિવારે રજાના દિવસે વડોદરાના ચાર શિક્ષક મિત્રો પોતાની ફોર્ડ કાર લઈને પાવાગઢ દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાંડીવાળા ગામ પાસે નર્મદા મેન કેનાલ નજીક આ ચારેય મિત્રો થોડો સમય રોકાયા હતા.
પગ લપસ્યો અને જોતજોતામાં બે જિંદગીઓ તણાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર મિત્રો પૈકી રાહુલ યાદવ, શુભમ પાઠક અને અસિન જનમેજય ઓઝા કેનાલની પાળી પાસે બેસીને વાતો કરતા હતા, જ્યારે વિદ્યુત પ્રકાશ રવિન્દ્રસિંહ કારમાં બેઠા હતા. આ દરમિયાન રાહુલ યાદવ કેનાલના પાણીમાં હાથ-પગ ધોવા માટે નીચે ઉતર્યા હતા. અચાનક તેમનો પગ લપસતા તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
પોતાના મિત્રને ડૂબતો જોઈ બાજુમાં ઉભેલા શુભમ પાઠકે રાહુલને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરંતુ નર્મદા કેનાલના પાણીનું વહેણ એટલું પ્રચંડ હતું કે બંને શિક્ષક મિત્રો જોતજોતામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન
બહાર ઉભેલા અન્ય બે મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તુરંત જ જરોદ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જરોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. હાલોલ ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં ગરકાવ થયેલા બંને શિક્ષકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
ડૂબેલા અને બચેલા શિક્ષકોની માહિતી: ૧. રાહુલ યાદવ (કેનાલમાં તણાયા) ૨. શુભમ પાઠક (બચાવવા જતા તણાયા) ૩. અસિન જનમેજય ઓઝા (બચી ગયા) ૪. વિદ્યુત પ્રકાશ રવિન્દ્રસિંહ (બચી ગયા)
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય શિક્ષકો મૂળ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના વતની છે અને વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાં રહીને ખાનગી કોચિંગ ક્લાસ ચલાવે છે. એકસાથે બે યુવાન શિક્ષકો કેનાલમાં તણાતા વડોદરાના શૈક્ષણિક જગતમાં અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
