લોકપ્રિય ભારતીય રેપર આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા, જેઓ ‘બાદશાહ’ તરીકે જાણીતા છે, તેઓ ફરી એકવાર પોતાના ગીતના બોલને કારણે વિવાદોમાં સપડાયા છે. હરિયાણા રાજ્ય મહિલા આયોગે તેમના તાજેતરના હરિયાણવી ગીત “ટટિહરી” (Tateeree) ના વાંધાજનક શબ્દો અને વીડિયોને ધ્યાનમાં રાખીને બાદશાહને સમન્સ જારી કર્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
સોશિયલ મીડિયા પર આ ગીત રિલીઝ થયા બાદ લોકોએ તેની કેટલીક લાઇન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ગીતની શરૂઆતી લાઇન “આયા મેં ટોલી ચઢાને, ઇન સબકી ઘોડી બનાને” ને લઈને વિવાદ શરૂ થયો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ ગીતના વીડિયોમાં શાળાની નાની બાળકીઓ (સ્કૂલ ગર્લ્સ) ને બતાવવામાં આવી છે, જેની સાથે આવા શબ્દોનો પ્રયોગ અત્યંત વાંધાજનક અને અસંસ્કારી છે.
મહિલા આયોગની કડક કાર્યવાહી
હરિયાણા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ આ મામલે સખત વલણ અપનાવ્યું છે. સવિતા આર્ય (નારી તૂ નારાયણી ઉત્થાન સમિતિ) અને શિવ કુમાર (શિવ આરતી ઇન્ડિયા ફાઉન્ડેશન) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. બાદશાહને ૧૩ માર્ચ ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે હાજર થવા જણાવાયું છે. આ સુનાવણી ડીસી ઓફિસ, પાણીપતના કોન્ફરન્સ હોલમાં યોજાશે. હરિયાણા રાજ્ય મહિલા આયોગ અધિનિયમ, ૨૦૧૨ ની કલમ ૧૦(૩) હેઠળ આ સમન્સ જારી કરવામાં આવ્યું છે, જેમાં બાદશાહની હાજરી અનિવાર્ય ગણાવવામાં આવી છે.

અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે બાદશાહ
આ પહેલીવાર નથી જ્યારે બાદશાહના ગીત સામે વિરોધ થયો હોય. અગાઉ પણ તેમના ગીતોમાં મહિલાઓ પ્રત્યેના શબ્દો અને દ્વિઅર્થી સંવાદોને લઈને અનેકવાર ફરિયાદો થઈ ચૂકી છે. હાલમાં સોશિયલ મીડિયા પર પણ આ ગીતને હટાવવાની અને બાદશાહ માફી માંગે તેવી માંગ ઉઠી રહી છે.
