ગોંડલ: રાજકોટ રેન્જ IG તરીકે કડક અને નીડર IPS અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ નિમણૂકને લઈને ગોંડલના ચર્ચિત શખ્સ નિખિલ દોંગાએ સોશિયલ મીડિયા પર એક ફેસબુક પોસ્ટ કરી છે, જેણે ગોંડલ અને રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. નિખિલ દોંગાએ પોતાની પોસ્ટમાં નિર્લિપ્ત રાયને શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમના આવવાથી રાજકોટ અને ગોંડલમાંથી ‘ગુંડારાજ’નો અંત આવશે.
‘બાહુબલી નેતા’ કોણ?
નિખિલ દોંગાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધા વિના એક ‘બાહુબલી રાજકીય નેતા’ પર ગંભીર નિશાન સાધ્યું છે. તેણે દાવો કર્યો છે કે આ બાહુબલી ગણાતા નેતાએ નિર્લિપ્ત રાયની બદલી રોકવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ખૂબ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને વર્તુળોમાં ચર્ચા છે કે નિખિલ દોંગાનો આ ઈશારો સીધો પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના જૂથ તરફ હોઈ શકે છે.

પોસ્ટથી આશ્ચર્ય અને વિવાદ
નોંધનીય છે કે નિખિલ દોંગા પોતે અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે. ત્યારે જેની સામે ગુનાહિત ઈતિહાસ હોય તેવો શખ્સ ‘ગુંડારાજ’ ખતમ કરવાની વાત કરે તેને લઈને લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. આ પોસ્ટને પગલે ગોંડલના રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
કડક અધિકારી તરીકે જાણીતા નિર્લિપ્ત રાયના આવવાથી હવે ગોંડલના સ્થાનિક રાજકારણ અને ગુંડાતત્વો પર કેવી અસર પડશે, તે જોવું રહ્યું.
