વડોદરા: વડોદરા શહેરમાં દારૂબંધીના અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના સમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી દુમાડ ચોકડી પાસે બાતમીના આધારે SMC ની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે માત્ર વિદેશી દારૂ જ નહીં પરંતુ દેશી દારૂનો પણ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભોંયરું બનાવી છુપાવ્યો હતો દારૂનો જથ્થો
બુટલેગરો પોલીસથી બચવા માટે હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. અગાઉ પીસીબીએ છતની POP માંથી દારૂ ઝડપ્યો હતો, ત્યારે આ કેસમાં બુટલેગરોએ મકાનમાં ખાસ પ્રકારનું ભોંયરું (Secret Basement) બનાવી તેમાં દારૂ છુપાવ્યો હતો. જોકે, SMC ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરીને આ ભોંયરું શોધી કાઢ્યું હતું.
મુદ્દામાલની વિગત (કુલ રૂ. 14.14 લાખ)
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- વિદેશી દારૂ (IMFL): 2658 બોટલો (કિંમત રૂ. 13,09,655)
- દેશી દારૂ: 250 લિટર (કિંમત રૂ. 50,000)
- અન્ય: વાહન, 4 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.14,14,855 નો મુદ્દામાલ.
3 ધરપકડ અને 8 બુટલેગરો વોન્ટેડ
પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી કનુ ભલાભાઈ માળી સહિત હિમ્મત ઉર્ફે અબ્બો માળી અને ગૌતમસિંહ પરમારની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડની મુખ્ય સૂત્રધાર સરોજબેન ભલાભાઈ માળી સહિત દારૂ સપ્લાય કરનાર શાહરૂખ શેખ, સન્ની સિંહ ઉર્ફે બાપુ, રફીક દિવાન અને રવિ રાજપુત સહિત 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સમા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
