સુરત: લગ્નની સીઝન શરૂ થતાં જ સાયબર ક્રિમીનલોએ નાગરિકોને શિકાર બનાવવા માટે એક નવો અને ખતરનાક કીમિયો અપનાવ્યો છે. જો તમારા WhatsApp, Facebook કે Instagram પર કોઈ અજાણ્યા કે જાણીતા નંબર પરથી ડિજિટલ લગ્ન કંકોત્રી આવે, તો તેને ઉતાવળમાં ઓપન કરતા પહેલા સો વાર વિચારજો. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે એક અપીલ જાહેર કરીને નાગરિકોને લગ્નની કંકોત્રીના નામે થતી .apk ફાઇલ ડિજિટલ છેતરપિંડી સામે સાવચેત રહેવા કડક સૂચના આપી છે.
કેવી રીતે થાય છે આ સાયબર ફ્રોડ? (મોડસ ઓપરેન્ડી)
સુરત સાયબર ક્રાઇમ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઠગો દ્વારા લગ્નની સીઝનનો લાભ લઈને સ્માર્ટફોન યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે:
- મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ: સાયબર ગુનેગારો WhatsApp, Facebook કે Instagram મારફતે ડિજિટલ કંકોત્રી અથવા વેડિંગ ઇન્વિટેશન કાર્ડ મોકલે છે.
- APK ફાઇલનો ઉપયોગ: સામાન્ય રીતે કંકોત્રી ફોટો કે PDF ફોર્મેટમાં હોય છે, પરંતુ ઠગો સામાન્ય ફાઇલના બદલે .apk ફાઇલ (Android Package Application) મોકલે છે.
- માલવેર ઇન્સ્ટોલેશન: જો યુઝર આ ફાઇલ પર ક્લિક કરે છે, તો તે ફાઇલ Google Play Protect ને બાયપાસ કરીને ચૂપચાપ યુઝરના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે.
- ડેટા ચોરી અને બેંક ખાતું સફાચટ: આ મલેશિયસ (Malicious) સોફ્ટવેર ફોનનો તમામ સંવેદનશીલ ડેટા, OTP અને મેસેજ હેકર્સના સર્વર સુધી પહોંચાડે છે. ત્યારબાદ ઠગો ઇન્ટરનેટ બેંકિંગ કે UPI મારફતે સેકન્ડોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસની મહત્વની અપીલ અને બચાવના ઉપાયો
| શું કરવું? (Do’s) | શું ન કરવું? (Don’ts) |
| કોઈપણ મેસેજ કે ઇન્વિટેશન ઓપન કરતા પહેલા મોકલનારની ખાતરી કરો. | .apk ફાઈલ ભૂલથી પણ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી. |
| સાચી ડિજિટલ કંકોત્રી સામાન્ય રીતે PDF અથવા ઈમેજ ફોર્મેટ માં જ હોય છે, જેથી ફક્ત તે જ ઓપન કરવી. | અજાણ્યા કે શંકાસ્પદ સોર્સ પરથી આવતી કોઈ લિંક પર ક્લિક ન કરવું. |
| થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી. | ફોનની સિક્યોરિટી અને ‘Unknown Sources Settings’ ને ક્યારેય ઓન ન રાખવું. |
સુરત પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ મેસેજ કે ફાઈલ આવે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો.
