દેશભરમાં ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ્સનું શિડ્યુઅલ સતત ખોરવાતા હવાઈ મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટો સતત રદ્દ થવાના કારણે આજે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આ ગેરવ્યવસ્થાના કારણે મુસાફરો આર્થિક, સામાજિક અને મેડિકલ આપાતકાલ જેવી સ્થિતિમાં હેરાન-પરેશાન થયા છે.
મુસાફરોએ જણાવ્યું કે ફ્લાઇટના લાંબા વિલંબ અને રદ્દીકરણના કારણે તેઓ એરપોર્ટ પર ૫-૧૦ કલાક સુધી ખાધા-પીધા વગર રાહ જોવા મજબૂર બન્યા છે. કેટલાક મુસાફરોને મેડિકલ ઇમરજન્સી અને ધંધાકીય નુકસાન જેવી ગંભીર સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસના નિશાંત રાવલે સાંસદ હેમાંગ જોષી પર કર્યા આકરા પ્રહાર
ઇન્ડિગોની ગેરવ્યવસ્થા અને મુસાફરોની હાલાકીના મુદ્દે કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા છે. કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે વડોદરાના સાંસદ હેમાંગ જોષીને પત્ર લખીને આ મામલે સક્રિય થવાની માંગણી કરી છે.
રાવલે સાંસદ હેમાંગ જોષીની ટીકા કરતા કહ્યું કે, સાંસદ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને દિલ્હીના શીર્ષ નેતાઓને વાહલા થવા માટે અવારનવાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીને પત્રો લખીને જ્ઞાન આપતા હોય છે. પરંતુ, આજે જ્યારે વડોદરા, ગુજરાત અને આખા દેશની જનતા ઇન્ડિગો એરલાઇનની ગેરવ્યવસ્થાથી પીડાઈ રહી છે, અને દેશમાં ૭૦૦થી વધુ ફ્લાઇટ રદ્દ થઈ છે, ત્યારે સાંસદે વડાપ્રધાન અને નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર કેમ નથી લખ્યો?
‘મોનોપોલી’ અને ‘ક્રોની કેપિટલિઝમ’નો ગંભીર આક્ષેપ
કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે આ સમગ્ર સમસ્યાને ભાજપની નીતિઓ સાથે જોડીને ગંભીર આક્ષેપો કર્યા હતા:
તેમણે દાવો કર્યો કે આજે દેશના એરલાઇન વ્યવસાયમાં ૯૨% શેર માત્ર બે કંપનીઓ – ઇન્ડિગો અને ટાટા – પાસે છે, જે એક પ્રકારની મોનોપોલી (ઇજારાશાહી)નું સર્જન કરે છે. આ કંપનીઓ વારંવાર પોતાના ફાયદા માટે સરકારનું નાક પકડે છે, અને સરકાર માત્ર મુખ પ્રેક્ષક બનીને જનતાની હેરાનગતિ જોઈ રહી છે. તેમણે ભાજપ પર ‘ક્રોની કેપિટલિઝમ’ની નીતિનો આરોપ મૂક્યો, જેના કારણે દેશના દરેક સેક્ટરમાં કોમ્પિટિશન સમાપ્ત થઈ ગઈ છે અને જનતા પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
નિશાંત રાવલે સાંસદને શરમ બચાવવા માટે પણ વડાપ્રધાન અને નાગરિક ઉડ્ડયન મંત્રીને આ વિષયને ગંભીરતાથી લઈને રજૂઆત કરવા અને જનતાના નુકસાનની ભરપાઈ કરવા માંગણી કરી છે. વિપક્ષ પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ચૂપકીદી પર તેમણે સવાલ ઉઠાવ્યા છે.
