બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે શુક્રવાર, 6 માર્ચ 2026 ના રોજ રાજ્યનું વાર્ષિક બજેટ (2026-27) રજૂ કરતી વખતે એક ક્રાંતિકારી જાહેરાત કરી છે. કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે જ કર્ણાટક આ પ્રકારનો ઔપચારિક નિર્ણય લેનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
મુખ્યમંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, બાળકોમાં સતત વધી રહેલા મોબાઈલના વપરાશ અને સોશિયલ મીડિયાના વ્યસનને કારણે તેમની માનસિક સ્થિતિ, શિક્ષણ અને પારિવારિક જીવન પર ગંભીર નકારાત્મક અસરો જોવા મળી રહી છે. આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ઓનલાઇન જોખમોથી બચાવવા અને તેમને સ્ક્રીન એડિક્શનમાંથી બહાર લાવી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
તજજ્ઞો સાથે લાંબી ચર્ચા બાદ લેવાયો નિર્ણય
આ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી કર્ણાટક સરકાર આ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી હતી. આઈટી અને બાયોટેકનોલોજી મંત્રી પ્રિયંક ખડગેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સોશિયલ પ્લેટફોર્મના જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવ અને ભાજપના ધારાસભ્ય સુરેશ કુમારે પણ અનિયંત્રિત સ્ક્રીન ટાઈમના નુકસાન અંગે અવાજ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અંગે વિવિધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરો સાથે પરામર્શ કરી નિષ્ણાતોનો અભિપ્રાય લીધો હતો.
વૈશ્વિક સ્તરે વધતી જાગૃતિ
માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં બાળકોની ડિજિટલ સુરક્ષા અંગે ચર્ચાઓ તેજ બની છે. ઓસ્ટ્રેલિયાએ પણ તાજેતરમાં યુવા વપરાશકર્તાઓ માટે કડક મર્યાદાઓ લાગુ કરી છે. યુકે અને ફિનલેન્ડ જેવા દેશો સમાન નિયમો પર વિચાર કરી રહ્યા છે. ફ્રાન્સ અને સ્પેન જેવા યુરોપિયન દેશોમાં શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભણતરમાં જળવાઈ રહે.
ભારતમાં પણ આંધ્રપ્રદેશ અને ગોવા જેવા રાજ્યોએ આવા પગલાં લેવા માટે સંકેતો આપ્યા છે, પરંતુ કર્ણાટકે બજેટમાં આની જાહેરાત કરીને અમલીકરણ તરફ પ્રથમ ડગલું માંડ્યું છે.
