આણંદ: વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં તમાકુના સેવનથી વધી રહેલા કેન્સરના કેસો અને દરરોજ થતા હજારો મૃત્યુને રોકવા માટે ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અમલી છે. આ કાર્યક્રમને આણંદ જિલ્લામાં વેગ આપતા કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા દરોડા
મનપાની હેલ્થ અને એન્ફોર્સમેન્ટ ટીમોએ શહેરના મુખ્ય મથકો જેવા કે ગણેશ ચોકડી, બાકરોલ, કરમસદ, વિદ્યાનગર, જીટોડીયા, મોગરી, લાંભવેલ અને ગામડી સહિતના વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ (COTPA-2003) ના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દંડાત્મક કાર્યવાહીની વિગતો
તંત્ર દ્વારા કુલ ૩૨૬ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કુલ રૂ. ૩૯,૭૧૦/- નો દંડ વસૂલવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે:
જાહેરમાં ધૂમ્રપાન (કલમ-૪): જાહેર સ્થળોએ સિગારેટ કે બીડી પીતા ૪૭ લોકો ઝડપાયા.
સગીરોને તમાકુનું વેચાણ (કલમ-૬ અ): ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ વેચતા કે તેમની પાસે ખરીદી કરાવતા ૨૩૮ લોકો સામે કાર્યવાહી.
શૈક્ષણિક સંસ્થાઓ પાસે વેચાણ (કલમ-૬ બ): શાળા-કોલેજોની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ વેચતા ૪૧ વેપારીઓને દંડ ફટકારાયો.
વેપારીઓને કડક ચેતવણી
ભારતમાં દરરોજ અંદાજે ૩,૭૦૦ લોકો તમાકુને કારણે જીવ ગુમાવે છે. આ આંકડો ડરામણો છે, જેને ધ્યાને રાખીને મહાનગરપાલિકાએ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ વેચતા વેપારીઓને અંતિમ ચેતવણી આપી છે. જો આગામી સમયમાં નિયમોનું ઉલ્લંઘન જણાશે તો લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. મનપાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે જેથી યુવા પેઢીને વ્યસનના ખપ્પરમાં હોમાતી બચાવી શકાય.
