વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) ના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે 12માં પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં 18 દેશોના 52 તેમજ ભારતનાં 11 રાજ્યોના અને સ્થાનિક 100 પતંગબાજો અવનવી અને રંગબેરંગી પતંગો સાથે ભાગ લઈ રહ્યા છે.
વિદેશી પતંગબાજોનું આકર્ષણ
આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, ડેનમાર્ક, રશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા અને અમેરિકા જેવા 18 દેશોના પતંગબાજો ઉમટી પડ્યા છે. આ ઉપરાંત ભારતના બિહાર, ઓડિશા, સિક્કિમ, રાજસ્થાન અને તમિલનાડુના પતંગબાજોએ પણ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, આવા આયોજનોથી વડોદરાની ઓળખ વિશ્વભરમાં કલાનગરી તરીકે વધુ મજબૂત બની છે.
રિમોટ કંટ્રોલ પતંગ: વડોદરાનું અનોખું સંશોધન
આ વર્ષે પતંગોત્સવમાં વડોદરાના પ્રિન્સ પંચાલ દ્વારા બનાવવામાં આવેલી ‘રેડિયો કન્ટ્રોલ્ડ’ (RC) કાઇટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પતંગ સંપૂર્ણપણે રિમોટથી નિયંત્રિત થાય છે અને તેને ઉડાવવા માટે પવનની જરૂર પડતી નથી. પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે, આ પતંગ 1 કિલોમીટરની રેન્જ સુધી ઉડી શકે છે અને તેનાથી પક્ષીઓને પણ કોઈ નુકસાન થતું નથી, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે.
વડાપ્રધાનના વિચારબીજથી વૈશ્વિક મહોત્સવ સુધી
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે, આ પતંગ મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ‘વિચારબીજ’ હતું, જે આજે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની ગયું છે. આ મહોત્સવ દ્વારા વિવિધ દેશો સાથેના સંબંધો ગાઢ બને છે અને સંસ્કૃતિની આપલે થાય છે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.
સાંજે 4 વાગ્યા સુધી ચાલનારા આ પતંગોત્સવમાં વિવિધ આકારના ડ્રેગન, પ્રાણીઓ અને કાર્ટૂન પાત્રો ધરાવતી પતંગોએ વડોદરાના આકાશને રંગબેરંગી બનાવી દીધું હતું.
