Wednesday, 2 September 2026
  • Home  
  • મહી નદીના કિનારે આસ્થાનું ઘોડાપૂર: રબારી અને ગોપાલક સમાજે દૂગ્ધાભિષેક કરી ઉજવ્યો ‘મહી બીજ’ ઉત્સવ
- ગુજરાત - મધ્ય ગુજરાત

મહી નદીના કિનારે આસ્થાનું ઘોડાપૂર: રબારી અને ગોપાલક સમાજે દૂગ્ધાભિષેક કરી ઉજવ્યો ‘મહી બીજ’ ઉત્સવ

વાસદ: ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા ગણી પૂજવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાનું જીવંત ઉદાહરણ આજે આણંદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે જોવા મળ્યું હતું. મહા સુદ બીજના પવિત્ર દિવસે રબારી અને ગોપાલક સમાજ દ્વારા ‘મહી બીજ’ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વાસદ, વહેરાખાડી અને ફાજલપુરના મહી કાંઠે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ […]

વાસદ: ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા ગણી પૂજવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાનું જીવંત ઉદાહરણ આજે આણંદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે જોવા મળ્યું હતું. મહા સુદ બીજના પવિત્ર દિવસે રબારી અને ગોપાલક સમાજ દ્વારા ‘મહી બીજ’ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વાસદ, વહેરાખાડી અને ફાજલપુરના મહી કાંઠે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

મહી બીજની ઉજવણી પાછળ એક અત્યંત રોચક લોકવાયકા જોડાયેલી છે. લોકશ્રદ્ધા મુજબ, જ્યારે લોકમાતા મહી અને સાગર દેવના લગ્ન વહેરાખાડી પાસે યોજાયા હતા, ત્યારે એક ગોપાલકે સવા રૂપિયો અર્પણ કરી મહી માતાનું કન્યાદાન કર્યું હતું. ત્યારથી રબારી અને ગોપાલક સમાજ મહી નદીને પોતાની ‘કુલવર્ધિની’ અને ‘દીકરી’ સમાન માની પૂજન કરે છે.

આજના દિવસે રબારી સમાજના લોકો એક અનોખો સંકલ્પ પાળે છે. મહી બીજના દિવસે ગોપાલકો ગાયના દૂધનું વેચાણ કરતા નથી. શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી કેન ભરીને ગાયનું શુદ્ધ દૂધ લાવે છે અને મહી નદીમાં તેનો અભિષેક કરે છે. ત્યારબાદ નદીમાં પવિત્ર સ્નાન કરી આરતી અને પૂજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ મહી નદીનું પવિત્ર જળ (મહીજળ) કેનમાં ભરી ઘરે લઈ જાય છે અને પશુધન તેમજ સંપત્તિ પર તેનો છંટકાવ કરે છે, જેથી સુખ-સમૃદ્ધિ જળવાય રહે.

વાસદના મહીસાગર માતાજીના મંદિરે યજ્ઞ અને ફળાહારના આયોજન કરવામાં આવ્યા હતા. પરંપરાગત વેશભૂષા અને આભૂષણોમાં સજ્જ રબારી બંધુઓ અને આધુનિક પરિવેશમાં સજ્જ યુવા પેઢીના સંગમથી નદી કિનારો મિની કુંભ જેવો ભાસતો હતો. સાંજ પડતા જ ચંદ્રમાના દર્શન કરી, ઘરે દૂધની ખીર અને સુખડીનો પ્રસાદ ધરાવી ભક્તોએ પર્વની પૂર્ણાહુતિ કરી હતી.

પ્રકૃતિ પ્રત્યેનો આ અહોભાવ અને નદી સંરક્ષણનો આ સંદેશ નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic