નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં રમાનારી ‘ધ હન્ડ્રેડ’ (The Hundred) લીગના પ્લેયર ઓક્શનમાં ભારતીય માલિકીની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ લીડ્સ (Sunrisers Leeds) ના એક નિર્ણયે ભારતમાં મોટો વિવાદ છેડ્યો છે. સન ગ્રુપની માલિકીની આ ટીમે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદને ૨,૫૫,૦૦૦ અમેરિકી ડોલરમાં ખરીદતા જ ભારતીય ફેન્સનો રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના થોડા જ કલાકોમાં સનરાઈઝર્સ લીડ્સનું સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
કાવ્યા મારન ફેન્સના નિશાના પર
સનરાઈઝર્સ હૈદરાબાદ (IPL) ની માલિક કાવ્યા મારન ઓક્શન ટેબલ પર હાજર હતા ત્યારે આ બોલી લગાવવામાં આવી હતી. અબરાર અહેમદને ટીમમાં સામેલ કરવા બદલ ભારતીય ચાહકો કાવ્યા મારનની આકરી ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સનો આરોપ છે કે ભારતીય લાગણીઓને દુભાવવાનું કામ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ‘ધ હન્ડ્રેડ’માં અન્ય ભારતીય માલિકીની ટીમોએ પાકિસ્તાની ખેલાડીઓથી અંતર જાળવ્યું હતું, પરંતુ સનરાઈઝર્સ આશ્ચર્યજનક રીતે બોલી લગાવી હતી.

અબરાર અહેમદ સામે કેમ છે આટલો રોષ?
ભારતીય ફેન્સ માત્ર પાકિસ્તાની ખેલાડી હોવાને કારણે જ નહીં, પરંતુ અબરાર અહેમદના ભૂતકાળના વર્તનને લઈને પણ નારાજ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અબરાર અહેમદ ભૂતકાળમાં ભારતીય વાયુસેના (IAF) વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી ચૂક્યો છે. એક ફેને લખ્યું, “આ મારો સનરાઈઝર્સ ફેન તરીકેનો છેલ્લો દિવસ છે,” જ્યારે બીજા યુઝરે કાવ્યા મારનની સરખામણી અન્ય બોલિવૂડ સેલેબ્સ સાથે કરી ટીકા કરી હતી.
X એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું કારણ અસ્પષ્ટ
હાલમાં ભારતમાં સનરાઈઝર્સ લીડ્સનું એકાઉન્ટ ઓપન કરવા પર “Account Suspended” નો મેસેજ જોવા મળી રહ્યો છે. X ના નિયમો મુજબ, જે એકાઉન્ટ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. જોકે, આ એકાઉન્ટ કયા ચોક્કસ કારણોસર બંધ કરવામાં આવ્યું છે તેની સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી.
સન ગ્રુપનું ઐતિહાસિક રોકાણ
ગયા વર્ષે જ સન ગ્રુપે ઈંગ્લેન્ડની લીડ્સ ફ્રેન્ચાઈઝીમાં ૧૦૦% હિસ્સો ખરીદ્યો હતો. અગાઉ આ ટીમ ‘નોર્ધન સુપરચાર્જર્સ’ તરીકે જાણીતી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધોને કારણે આઈપીએલ સહિતની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ છે, ત્યારે વિદેશી લીગમાં ભારતીય માલિકીની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડીની ખરીદીએ નવી ચર્ચા જગાવી છે.
