નડિયાદ: ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લા સહિત ચરોતર વિસ્તારમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીની અસર માત્ર માનવીઓ પર જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પર પણ થતી હોય છે. ખેડા જિલ્લાના અંદાજે ૧૦.૩૪ લાખ જેટલા પાલતુ અને દૂધાળા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને પશુપાલન કચેરી દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
પશુધનની સુરક્ષા માટે તંત્રની અપીલ
ખેડા જિલ્લામાં ગાય વર્ગના ૨,૬૫,૪૬૦, ભેંસ વર્ગના ૬,૧૬,૧૬૦, ઘેટાં ૨૦,૦૯૬ અને બકરાં ૧,૦૨,૨૭૯ મળી કુલ ૧૦.૩૪ લાખ પશુઓ છે. જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. દીપક મનાતે પશુપાલકોને અનુરોધ કર્યો છે કે, વધતા તાપમાનમાં પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે તે માટે ખાસ કાળજી લેવી અનિવાર્ય છે.
હીટસ્ટ્રોકથી બચવા પશુપાલકો માટે ખાસ ટિપ્સ :
૧. સમયનું પાલન: પશુઓને સવારના ૧૧:૦૦ થી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી બહાર ચરાવવા લઈ જવાનું કે સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળવું જોઈએ.
૨. રહેઠાણની વ્યવસ્થા: પશુઓના રહેઠાણની છત પર ઘાસની ગજી નાખવી અથવા છતને સફેદ રંગથી રંગવી જોઈએ જેથી તાપમાન ઓછું રહે. મરઘા ઉછેર કેન્દ્રમાં યોગ્ય હવા-ઉજાસ અને પડદાની વ્યવસ્થા કરવી.
૩. ઠંડું અને શુદ્ધ પાણી: પશુઓને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને ઠંડું પાણી પીવડાવવું જોઈએ.
૪. આહારનું આયોજન: પશુઓને આહારમાં લીલો ચારો વધુ આપવો. આહારમાં મિનરલ મિક્સર (ખનીજ તત્વો)નો સમાવેશ કરવો જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ જળવાય.
જીવદયાનો સંદેશ: “એક કુંડું તો ભરી જ શકીએ”
જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરી છે. જીવદયા પ્રેમીઓ દ્વારા ઉનાળામાં પશુ-પક્ષીઓ માટે પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે કદાચ મોટા કુવા કે તળાવો ન બંધાવી શકીએ, પરંતુ અબોલ જીવો માટે એક પાણીનું કુંડું તો ચોક્કસ ભરી શકીએ છીએ.
