વડોદરા: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા ૨૦ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા અપહરણના આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. મકરપુરા પોલીસ મથકના વર્ષો જૂના ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી સ્ટાઈલથી વેશપલટો કરી જાળ બિછાવી હતી.
ફૂડ ડિલિવરી બોય બનીને કરી ધરપકડ
આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ અત્યંત હોશિયાર હતો અને સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તે મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાં છુપાયેલો છે. આરોપીને શંકા ન જાય તે માટે પોલીસની ટીમે ત્રણ દિવસ સુધી ત્યાં ધામા નાખ્યા હતા. પોલીસે આરોપી સુધી પહોંચવા માટે ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ-ડ્રાઈવર અને સામાન્ય ગ્રાહકનો વેશ ધારણ કર્યો હતો. સતત વોચ રાખ્યા બાદ જેવો મોકો મળ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો.
શું હતો સમગ્ર ગુનો?
આશરે બે દાયકા પહેલા ફિરોજખાન વડોદરામાં નોનવેજની દુકાન ચલાવતો હતો. તે સમયે તેની દુકાન સામે જ રહેતી એક સગીરાનું તેણે અપહરણ કર્યું હતું. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, પરંતુ ધરપકડના ડરથી તે વડોદરા છોડીને ભાગી ગયો હતો અને છેલ્લા ૨૦ વર્ષથી અલગ-અલગ જગ્યાએ નામ બદલીને રહેતો હતો.
મકરપુરા પોલીસને હવાલે કરાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને વડોદરા લાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને મકરપુરા પોલીસના હવાલે કર્યો છે. ૨૦ વર્ષ જૂના વણઉકેલાયેલા ગુનામાં આરોપી ઝડપાતા વડોદરા પોલીસની કાર્યક્ષમતાની ફરી એકવાર પ્રશંસા થઈ રહી છે.
