ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખવા અને સાયબર ઠગોની શાન ઠેકાણે લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. લોકોની મહેનતની કમાણીના કરોડો રૂપિયા ડિજિટલ લૂંટારુઓના હાથમાં ન જાય અને પકડાયેલા ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે હેતુથી એક અત્યંત ગુપ્ત અને મજબૂત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સીધા દિશાનિર્દેશ હેઠળ ગુજરાત પોલીસના ‘સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ’ (CCOE) દ્વારા સમગ્ર રાજ્યમાં એક સ્પેસ પ્રોગ્રામ ચલાવાયો હતો, જેને ‘ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦’ નામ આપવામાં આવ્યું છે. આ વ્યાપક ઓપરેશન દરમિયાન અલગ-અલગ કેસમાં કુલ ₹૨૨૮૯ કરોડના આર્થિક સાયબર ફ્રોડનો સનસનાટીપૂર્ણ પર્દાફાશ કરવામાં સફળતા મળી છે.
શું છે આ ‘મ્યૂલ અકાઉન્ટ’ નો કાળો કારોબાર?
આજના સમયમાં સાયબર ગુનેગારો ઓનલાઇન છેતરપિંડી કે ડિજિટલ અરેસ્ટના નામે લોકો પાસેથી પડાવેલા નાણાં સીધા પોતાના બેંક ખાતામાં નથી મંગાવતા. તેઓ ગરીબ, અજાણ્યા કે લાલચુ લોકોના નામે બેંક ખાતા ખોલાવે છે, જેને ટેકનિકલ ભાષામાં ‘મ્યૂલ અકાઉન્ટ’ (Mule Account) કહેવામાં આવે છે. આવા ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને મની લોન્ડરિંગ (કાળા નાણાંને ધોળા કરવા) માટે થાય છે અને ખાતાધારકને “મની મ્યૂલ” તરીકે ઓળખવામાં આવે છે. ગુનેગારો ટ્રેક ન થાય તે માટે એક ખાતામાંથી બીજા ખાતામાં સેકન્ડોમાં પૈસા ફેરવી દે છે. ગુજરાત પોલીસે બરાબર આ જ કડી પર વાર કરીને ગુનાખોરીના મૂળિયાં હચમચાવી દીધા છે.
ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦ ની મુખ્ય સિદ્ધિઓ અને સચોટ આંકડા:
વર્ષ ૨૦૨૫ માં શરૂ કરાયેલા આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સાયબર પોલીસ સ્ટેશનોને એક તાંતણે સાંકળવામાં આવ્યા હતા. ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ અને ૧૯૩૦ હેલ્પલાઇનના રીયલ-ટાઇમ ડેટા ઇન્ટેલિજન્સની મદદથી ફિલ્ડ પર ઓપરેશન હાથ ધરી નીચે મુજબની મોટી સફળતા મેળવાઈ છે:
- કુલ દાખલ થયેલી FIR: ૫૬૫
- કુલ પકડાયેલા સાયબર ગુનેગારો: ૬૩૮
- કાર્યવાહી હેઠળ આવેલા મ્યૂલ અકાઉન્ટ: ૯૧૩
- ઓળખી કઢાયેલા અન્ય ગુનાઓ: ૪,૦૫૨ (જેમાંથી ૪૯૧ માત્ર ગુજરાતના)
- કુલ પર્દાફાશ થયેલું ફ્રોડ મૂલ્ય: ₹૨,૨૮૯ કરોડ
પોલીસની ભીંસ વધતા જ એટીએમ અને ચેક ઉપાડમાં મોટો ઘટાડો
ગુજરાત પોલીસના આ આકરા પ્રહારના લીધે બેંકિંગ સિસ્ટમમાં સાયબર ગુનેગારો દ્વારા થતા વ્યવહારો પર બ્રેક વાગી ગઈ છે. બેંકો સાથેના રિયલ ટાઇમ ડેટા શેરિંગના કારણે ગુનાહિત આંકડાઓમાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે:
- સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૫ ના ગાળામાં સાયબર ઠગો દ્વારા થતા એટીએમ (ATM) ઉપાડમાં ૬૬% નો ઘટાડો નોંધાયો છે.
- ફ્રોડના નાણાં ઉપાડવા માટે વપરાતા ચેક દ્વારા થતા ઉપાડમાં ૭૫% નો ઘટાડો થયો છે.
- માસિક ચેક ઉપાડ જે પહેલા ₹૧૨૬ કરોડ જેવો થતો હતો, તે ઘટીને માત્ર ₹૨૫ કરોડ થઈ ગયો છે, જે ૮૦% નો જંગી ઘટાડો દર્શાવે છે.
- જ્યાં સૌથી પહેલા ફ્રોડના પૈસા જમા થાય છે તેવા ‘પ્રથમ લેયર’ ના મ્યૂલ અકાઉન્ટ્સની સંખ્યામાં ૩૦% નો સીધો ઘટાડો થયો છે.

હવે RBI લાવશે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નું હથિયાર: લોન્ચ થઈ mulehunter.ai
ભવિષ્યમાં આવા ફેક ખાતાઓ આપોઆપ પકડાઈ જાય તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા એઆઈ (AI) ટેક્નોલોજી આધારિત ‘રિસ્ક સ્કોરિંગ પ્રણાલી’ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ સ્માર્ટ સિસ્ટમ દરેક ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની ગતિવિધિ ચેક કરીને તેને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરશે:
- Low Risk (ઓછું જોખમ)
- Medium Risk (મધ્યમ જોખમ)
- High Risk (વધુ જોખમ)
આ રિસ્ક સ્કોરના આધારે તમામ બેંકો શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને તાત્કાલિક બ્લોક કરી શકશે. આ ડેટાને પરસ્પર શેર કરવા માટે mulehunter.ai નામની એક વિશેષ સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે.
છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં ડિજિટલ ક્રાંતિ અને સુરક્ષાનો મોટો પડકાર
દેશમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓનો આંકડો ૨૫ કરોડથી વધીને આજે ૧૦૦ કરોડને પાર થઈ ગયો છે. ‘ભારતનેટ’ પ્રોજેક્ટ હેઠળ ૧૧ વર્ષ પહેલા જ્યાં માત્ર ૫૪૬ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટથી જોડાયેલી હતી, આજે ૨ લાખથી વધુ ગ્રામ પંચાયતો હાઇ-સ્પીડ બ્રોડબેન્ડથી સજ્જ છે. યુપીઆઈ (UPI) અને ડિજિટલ પેમેન્ટ દેશના ખૂણે-ખૂણે પહોંચ્યા છે.
પરંતુ તેની સામે સાયબર સુરક્ષા પણ એટલી જ મહત્વની બની છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જણાવ્યા મુજબ, “સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક લેણદેણનો મુદ્દો નથી, પણ તે સીધો આપણી ‘રાષ્ટ્રીય સુરક્ષા’ (National Security) સાથે જોડાયેલો વિષય છે.” આથી જ સરકાર ડિજિટલ અરેસ્ટ જેવી અફવાઓ અને ઠગાઈ સામે નાગરિકોને ડર્યા વગર વધુ જાગૃત થવા અપીલ કરી રહી છે.
