વડોદરા: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર સાંસદ ગેનીબેન ઠાકોર અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું.
આદિવાસી અધિકાર અને સંવિધાન પર સંવાદ
એરપોર્ટથી સીધા જ રાહુલ ગાંધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ‘આદિવાસી અધિકાર સંવિધાન સંવાદ’ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સામાજિક કાર્યકરો, NGO અને બુદ્ધિજીવીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. રાહુલ ગાંધીએ ખાસ કરીને ૨૦૦૬ના જંગલ અને જમીનના હક માટેના કાયદાના અમલીકરણમાં સરકારની નિષ્ફળતા મુદ્દે રણનીતિ પર ચર્ચા કરી હતી.

‘આદિવાસી’ એટલે મૂળ માલિક, ‘વનવાસી’ નહીં
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ભાજપ તમને ‘વનવાસી’ કહે છે, જેનો અર્થ છે કે તમે આ જમીનના મૂળ માલિક નથી. પરંતુ ‘આદિવાસી’ શબ્દનો અર્થ થાય છે કે તમે આ દેશના પ્રથમ અને મૂળ માલિક છો. તમને વનવાસી કહીને ભાજપ તમારી જમીન, જંગલ અને પાણી છીનવીને કોર્પોરેટ મિત્રોને સોંપવા માંગે છે. આ માત્ર સંવિધાન પર જ નહીં, પણ ભગવાન બિરસા મુંડાના વિચારો પર પણ હુમલો છે.”

ખેતી અને વેપાર મુદ્દે પીએમ મોદીની ટીકા
રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “કોઈપણ વડાપ્રધાને અત્યાર સુધી કૃષિ ક્ષેત્રને આ રીતે ખુલ્લું મુક્યું નથી. જો અમેરિકાની કૃષિ પેદાશો અહીં મુક્તપણે આવશે, તો આપણા ખેડૂતો બરબાદ થઈ જશે કારણ કે આપણું મોટાભાગનું કામ મેન્યુઅલ (હાથથી) થાય છે.”

પશ્ચિમ એશિયાના સંકટ પર પ્રહાર
પીએમ મોદીના લોકસભામાં આપેલા નિવેદન પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે, “ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને વડાપ્રધાન સંસદ છોડીને ભાષણ આપવા જતા રહ્યા. હું ગેરંટી સાથે કહું છું કે તેઓ સંસદમાં સીધી ચર્ચા કરવાની હિંમત કરી શકતા નથી.”
આ મુલાકાતથી ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતોનું સમીકરણ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.
