વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવમય અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.
વિધાનસભામાં સામૂહિક ગાન અને શપથ
ગુજરાત વિધાનસભા પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એકસાથે ઊભા રહીને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર પરિસર રાષ્ટ્રપ્રેમની ઊર્જાથી સભર બની ગયો હતો. રાષ્ટ્રગીતના ગાન પછી સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. આ શપથમાં સ્વદેશીને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને સ્વદેશી ચીજો રોજબરોજના જીવનમાં અપનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યા ભાવો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવમય અવસર પર પોતાના ભાવો વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, “વંદે માતરમ્” ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે વિધાનસભા પરિસરમાં સહભાગી થવાનો અવસર રાષ્ટ્રપ્રેમની ઊર્જાથી સભર બની રહ્યો.” તેમણે “વંદે માતરમ્”ના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું હતું કે,
“વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઊર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમની પવિત્ર ધ્વનિ છે. આ ગીતના શબ્દો આપણને પ્રત્યેક શ્વાસે માઁ ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.”
ગુજરાત અને સ્વદેશીનું ઐતિહાસિક જોડાણ
મુખ્યમંત્રીએ ‘વંદે માતરમ્’ અને ગુજરાતના ઇતિહાસના જોડાણને યાદ કરતાં જણાવ્યું હતું કે, ૧૯૦૬માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું, ત્યારે ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર “વંદે માતરમ્” ગાવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિનાં વિકાસ સાથેનું સંધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર એ સમયે રચાયું હતું. આ ગૌરવમય અવસરની ઉજવણી રાજ્યમાં જિલ્લા મથકો, નગરો અને ગામોમાં પણ મંત્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થઈ રહી છે, જે આનંદની વાત છે.
