નવરાત્રીના સૌથી મોટા ગરબા મહોત્સવ ‘યુનાઈટેડ વે’ના આયોજકો ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આજે, અલકાપુરી ક્લબ ખાતે ગરબાના પાસનું વિતરણ કરવામાં આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે ઉશ્કેરાયેલા ખેલૈયાઓએ મુખ્ય દરવાજાના કાચની તોડફોડ કરી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પણ થઈ છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વહેલી સવારથી જ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ પાસ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, પાસ વિતરણ માટે માત્ર એક જ મશીન મૂકવામાં આવ્યું હતું, જેના કારણે હજારો ખેલૈયાઓને કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડ્યું. મેનેજમેન્ટની આ બેદરકારી અને અપૂરતી વ્યવસ્થાથી કંટાળીને ખેલૈયાઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો.
અવ્યવસ્થાને લઈને ખેલૈયાઓએ મેનેજમેન્ટ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. પરિસ્થિતિ વણસતા, કેટલાક લોકોએ આવેશમાં આવીને મુખ્ય દરવાજાના કાચની તોડફોડ કરી નાખી હતી. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
A post shared by Joohi K Patel | Food, Travel, Lifestyle Blogger (@joohiie)
અહીં નોંધનીય છે કે, ગરબાની ઊંચી ફી ચૂકવ્યા છતાં પણ યોગ્ય સુવિધા ન મળતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક મહિલા ખેલૈયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, “અમે માત્ર અતુલ દાદાના કારણે જ અહીં આવીએ છીએ. અમે સહન કરી રહ્યા છે એનો મતલબ એ નથી કે તમે અમને જેમ તેમ હેરન કરો. આટલી બધી ફી લીધા પછી પણ આ રીતે અવ્યવસ્થા સર્જાય તે ખૂબ જ શરમજનક છે.” આ ઘટનાએ આયોજકોની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પાસ વિતરણ સ્થળે જેમને પહેલેથી જ બારકોડ આપવામાં આવ્યા હતા તેમને સીધા જ અંદર જવા દેવામાં આવી રહ્યા હતા, જ્યારે બારકોડ વગરના ખેલૈયાઓને વારાફરતી બોલાવીને પાસ આપવામાં આવી રહ્યા હતા. જોકે, આ ધીમી પ્રક્રિયાએ ખેલૈયાઓના રોષમાં વધુ વધારો કર્યો હતો.
