ગાંધીનગર: ગુજરાતના વહીવટી તંત્રના હૃદય સમાન ગાંધીનગર સચિવાલયમાં કાર્યપદ્ધતિને લઈને મોટા ફેરફારોની માંગ ઉઠી છે. ‘ધી ગુજરાત સચિવાલય ફેડરેશન’ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સત્તાવાર પત્ર પાઠવીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home) અને ‘ફાઈવ ડે વીક’ (5 Days Week) અમલી બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.
શા માટે કરવામાં આવી આ માંગ?
ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત માટે કરવામાં આવેલી અપીલ અત્યંત સમયસૂચક છે. હાલ પશ્ચિમ એશિયાની યુદ્ધજન્ય પરિસ્થિતિ અને વૈશ્વિક ઈંધણ સંકટને જોતા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવો રાષ્ટ્રહિતમાં છે. સચિવાલયમાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ અવરજવર કરે છે, જેના કારણે ઈંધણનો વ્યય અને ટ્રાફિકનું દબાણ વધે છે.
ફેડરેશનની મુખ્ય માંગણીઓ:
વર્ક ફ્રોમ હોમ/હાઈબ્રિડ મોડેલ: જે વિભાગોમાં શક્ય હોય ત્યાં તબક્કાવાર વર્ક ફ્રોમ હોમ અથવા હાઈબ્રિડ વર્કિંગ મોડેલ અમલમાં મૂકવું.
5 ડે વીક: ભારત સરકાર અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 5 દિવસનું કામકાજનું સપ્તાહ જાહેર કરવું.
ડિજિટલ વહીવટને પ્રાધાન્ય: ઈ-ઓફિસ, વર્ચ્યુઅલ મીટિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામકાજ વધારવું.
ગ્રીન ગવર્નન્સ: વીજળી અને ઈંધણની બચત માટે લાંબા ગાળાની નીતિ ઘડવી.
કોરોનાકાળનો અનુભવ પ્રેરણારૂપ
કર્મચારી સંગઠને યાદ અપાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને ઈ-ઓફિસ વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી. તેનાથી કામગીરીમાં કોઈ અવરોધ આવ્યો ન હતો. આ અનુભવને આધારે હવે કાયમી ધોરણે ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવી એ સમયની માંગ છે.
જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે, તો તેનાથી માત્ર પેટ્રોલ-ડીઝલની બચત જ નહીં, પરંતુ પ્રદૂષણ નિયંત્રણ, સમયની બચત અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે તેવું ફેડરેશનના પ્રમુખ કિર્તી એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલે જણાવ્યું છે.
