પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાન હાલમાં જેલમાં બંધ છે, પરંતુ તેમની બગડતી તબિયતે સરહદો ઓળંગીને વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજોને ચિંતિત કર્યા છે. ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ સહિત વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ એક થઈને પાકિસ્તાન સરકારને ભાવુક અપીલ કરી છે. આ દિગ્ગજોએ ઈમરાન ખાનને જેલમાં યોગ્ય તબીબી સારવાર અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ગરિમાપૂર્ણ જીવન મળે તે માટે પત્ર લખ્યો છે.
આંખની રોશની ગુમાવવાનો ગંભીર અહેવાલ
રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ 71 વર્ષીય ઈમરાન ખાન અંગે તાજેતરમાં ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, જેલમાં યોગ્ય તબીબી સારવાર ન મળવાને કારણે ઈમરાન ખાને તેમની જમણી આંખની લગભગ 85 ટકા રોશની ગુમાવી દીધી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ક્રિકેટ જગતના પૂર્વ ખેલાડીઓએ ‘એપીલ બાય ફોર્મર ઇન્ટરનેશનલ ક્રિકેટ કેપ્ટન્સ’ શીર્ષક હેઠળ પાકિસ્તાન સરકારને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં શું લખ્યું છે દિગ્ગજોએ?
પત્રમાં પૂર્વ કેપ્ટનોએ લખ્યું છે કે, “અમે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિશ્વ ક્રિકેટની દિગ્ગજ હસ્તી ઈમરાન ખાનની અટકાયત અને તેમની બગડતી સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને તેમની દ્રષ્ટિમાં થયેલો ઘટાડો અને છેલ્લા અઢી વર્ષથી જેલની પરિસ્થિતિઓ ચિંતાજનક છે. એક રમતવીર તરીકે અમે ‘ફેર પ્લે’, સન્માન અને ગૌરવના મૂલ્યોને સમજીએ છીએ. ઈમરાન ખાન જેવી વૈશ્વિક સ્પોર્ટિંગ આઈકોન ધરાવતી વ્યક્તિ માનવીય ગરિમાને પાત્ર છે.”

સહી કરનાર કેપ્ટનોની યાદી
આ અપીલમાં માત્ર ભારતીય જ નહીં, પણ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના નામી કેપ્ટનો સામેલ છે:
- ભારત: સુનીલ ગાવસ્કર, કપિલ દેવ
- ઓસ્ટ્રેલિયા: એલન બોર્ડર, ગ્રેગ ચેપલ, ઈયાન ચેપલ, સ્ટીવ વો, કિમ હ્યુજીસ, બેલિન્ડા ક્લાર્ક
- ઈંગ્લેન્ડ: માઈકલ આથર્ટન, માઈકલ બ્રેરલી, ડેવિડ ગોવર, નાસિર હુસૈન
- વેસ્ટ ઈન્ડિઝ: ક્લાઈવ લોઈડ
- ન્યુઝીલેન્ડ: જોન રાઈટ
નોંધનીય છે કે 2023 માં ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાનને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હવે જ્યારે તેમની તબિયત લથડી રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના માટે માનવીય ધોરણે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.
