એકતાનગર: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ (SOU) હવે માત્ર પ્રવાસનનું જ કેન્દ્ર નથી રહી, પરંતુ આસપાસના આદિવાસી પરિવારો માટે પરિવર્તનનું માધ્યમ પણ બની છે. નર્મદા જિલ્લાના 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ દ્વારા રસોઈ ગેસમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે.
પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને અમલીકરણ
ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપી દેવામાં આવ્યા છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળના 89 ગામોમાં પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા આ પ્રોજેક્ટનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આ પ્લાન્ટ સ્થાપવાનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે, લાભાર્થીએ માત્ર ખાડો ખોદવા માટે શ્રમદાન કરવાનું હોય છે.
LPG અને લાકડા પરની નિર્ભરતામાં ઘટાડો
વાઘપુરા ગામના રહેવાસી રવિના તડવી જણાવે છે કે, “હવે અમને LPG સિલિન્ડરની ચિંતા રહેતી નથી. દરરોજ મફત અને સ્વચ્છ ઈંધણ મળે છે.” આ પહેલથી માત્ર ઈંધણની જ બચત નથી થઈ, પરંતુ બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી ‘સ્લરી’ ખેતીમાં રાસાયણિક ખાતરના ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ જૈવિક ખાતરથી પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
મહિલાઓના સ્વાસ્થ્ય અને સમયની બચત
સ્થાનિક રહેવાસી ચંદુ તડવીના જણાવ્યા અનુસાર, આ યોજનાનો સૌથી મોટો લાભ મહિલાઓને થયો છે. અગાઉ મહિલાઓને રસોઈ માટે લાકડા વીણવા લાંબે સુધી જવું પડતું હતું અને ચૂલાના ધુમાડાથી તેમની આંખોને નુકસાન થતું હતું. હવે બાયોગેસના ઉપયોગથી તેઓ ધુમાડામુક્ત રસોઈ બનાવી રહી છે અને તેમનો કિંમતી સમય પણ બચી રહ્યો છે.
આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે અને વિદેશથી આયાત થતા રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.
