નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય લીધો છે. ‘ઈન્ડિયા ફર્સ્ટ’ પોલિસી હેઠળ, સરકારે ભારતમાંથી વિશ્વના અન્ય દેશોમાં થતી ખાંડની નિકાસ (Sugar Exports) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, નિકાસ નીતિને ‘નિયંત્રિત’ માંથી બદલીને ‘પ્રતિબંધિત’ (Prohibited) કરવામાં આવી છે.
સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે રોક
આ પ્રતિબંધ લાંબા ગાળા માટે એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો સ્ટોક જાળવી રાખવાનો અને તહેવારોની સીઝન પહેલા ભાવમાં થતો સંભવિત વધારો રોકવાનો છે. ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવાથી, આ નિર્ણયની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારો પર પડશે અને ત્યાં ખાંડના ભાવમાં ઉછાળો આવી શકે છે.

કોને મળશે મુક્તિ?
જોકે, સરકારે આ કડક પ્રતિબંધમાં કેટલીક છૂટછાટ પણ આપી છે:
નિર્ધારિત ક્વોટા: અમેરિકા (US) અને યુરોપિયન યુનિયન (EU) ને ફાળવવામાં આવેલા એક્સપોર્ટ ક્વોટા હેઠળની નિકાસ ચાલુ રહેશે.
ખાસ મંજૂરી: એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ (AAS) અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા માટે થતી સરકારી સ્તરની (G2G) શિપમેન્ટને મંજૂરી અપાશે.
પાઈપલાઈન શિપમેન્ટ: જે કન્સાઈનમેન્ટ ઓલરેડી પોર્ટ પર છે અથવા નિકાસની પ્રક્રિયામાં છે, તેને આમાંથી મુક્તિ અપાઈ છે.
વૈશ્વિક સ્તરે ભારતનું વધતું પ્રભુત્વ
નિષ્ણાતોનું માનવું છે કે બ્રાઝિલ પછી ભારત ખાંડનો સૌથી મોટો નિકાસકાર હોવાથી, ભારતના આ નિર્ણયથી ગ્લોબલ સપ્લાય ચેઈન પ્રભાવિત થશે. પરંતુ કેન્દ્ર સરકાર માટે અત્યારે ઘરઆંગણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં રાખવા તે પ્રાથમિકતા છે.
