ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા-2026 ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરવાની અને ફી ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 મે 2026 હતી, જેને હવે વધુ બે દિવસ લંબાવીને 16 મે 2026 (સાંજના 17:00 કલાક) સુધી કરવામાં આવી છે.
કોણ આપી શકશે પૂરક પરીક્ષા?
માર્ચ-2026ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ (Needs Improvement) થયા હોય, તેઓ આ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે પરંતુ પોતાના પરિણામમાં સુધારો કરવા ઈચ્છે છે, તેઓ પણ આ પૂરક પરીક્ષા-2026 માટે ફોર્મ ભરી શકે છે.

આવેદન કરવાની પ્રક્રિયા
પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાનું રહેશે. આવેદન કરવાની અને ફી ભરવાની પ્રક્રિયા માત્ર ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. રૂબરૂ કે ટપાલ દ્વારા આવેદન સ્વીકારવામાં આવશે નહીં.
કન્યા અને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ છૂટછાટ
સરકાર દ્વારા કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, આવા ઉમેદવારોએ પણ પૂરક પરીક્ષામાં બેસવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરતી વખતે કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબર સામે ટીકમાર્ક કરવાનું રહેશે, અન્યથા તેઓ પરીક્ષામાં બેસી શકશે નહીં.
