અમદાવાદ: વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી છે. ૧૫ મે, ૨૦૨૬થી અમલી બનેલા નવા આદેશ અનુસાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ ૩-૩ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. લગભગ બે વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવેલા આ આકરા ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના બજેટ ખોરવાઈ ગયા છે. આ વધારો માત્ર વાહનચાલકો પૂરતો મર્યાદિત નથી, કારણ કે પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલો ૨ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
મધરાતે અચાનક અમલી બનેલો નિર્ણય
ગુજરાત સહિત દેશભરમાં ઇંધણના આ નવા ભાવ વધારાએ સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી થતો હોય છે, પરંતુ આ વખતે એક અનોખી ઘટના બની હતી. ૧૪ મેની મોડી રાત્રે ૩:૦૦ વાગ્યે પેટ્રોલ પંપ ડીલરોને અચાનક મેસેજ કરી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેવાની સૂચના અપાઈ હતી. આ જ કારણસર વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકો અને પંપ સંચાલકો બંનેમાં આશ્ચર્ય અને મૂંઝવણ જોવા મળી હતી.
ગુજરાત અને અન્ય મહાનગરોની સ્થિતિ
અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર અંદાજે ₹૨.૯૯નો વધારો થતા નવો ભાવ ₹૯૭.૫૦ પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર ₹૩.૦૯નો જંગી વધારો કરાતા તે ₹૯૩.૨૯ પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹૧૦૬.૬૮ અને ડીઝલ ₹૯૩.૧૪ પર પહોંચ્યું છે. દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ ₹૯૭.૭૭ અને ડીઝલનો ભાવ ₹૯૦.૬૭ થયો છે.
| City | Petrol (New Price) | Diesel (New Price) |
| Mumbai | ₹106.68 | ₹93.14 |
| Ahmedabad | ₹97.50 | ₹93.29 |
| Delhi | ₹97.77 | ₹90.67 |
| Kolkata | ₹108.74 | ₹95.13 |
વિપક્ષ દ્વારા આકરા પ્રહાર
આ ભાવ વધારા મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે દેશની એનર્જી સિક્યોરિટીનું અમેરિકા સામે સમર્પણ કર્યું છે અને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની મનાઈની કિંમત દેશની જનતા ચૂકવી રહી છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, “ભૂલ મોદી સરકારની, કિંમત જનતા ચૂકવશે.” બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ પીએમ મોદીની વિદેશ યાત્રા અને વધતી મોંઘવારીને જોડીને પ્રહાર કર્યા છે.
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ બાદ સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પહેલા LPG, ત્યારબાદ સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી અને દૂધના ભાવ વધ્યા પછી હવે ઇંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેના કારણે આગામી દિવસોમાં અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે.
