ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, પરંતુ આ પરિસ્થિતિમાં પણ ગુજરાત પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. હાલમાં જ કચ્છના અંજાર-મુન્દ્રા હાઈવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંજારના પી.આઈ. અજયસિંહ ગોહિલની કર્તવ્યનિષ્ઠા જોવા મળે છે.
#Kutch
એ..એ..સાહેબ પડી ગયા..!
ભારે વરસાદ વચ્ચે લોકોની સેવામાં @GujaratPolice ખડેપગે@SP_EastKutch અંજાર PI અજયસિંહ ગોહિલ અને પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી
અંજાર – મુન્દ્રા હાઇવે પર ટ્રાફિક કામગીરી દરમ્યાન અંજાર PI ખાડામાં પડતા પડતા બચ્યા
આફત વચ્ચે જીવના જોખમે પોલીસની… pic.twitter.com/HtqPSnPGel— Nitin Garva (@garvanitin2) September 8, 2025
કચ્છમાં ભારે વરસાદને કારણે અંજાર-મુન્દ્રા હાઈવે પર ઠેર-ઠેર પાણી ભરાયા છે અને મોટા ખાડાઓ પડ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ પી.આઈ. અજયસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ વરસાદી પાણીમાં ઊભા રહીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આ કામગીરી દરમિયાન તેઓ એક મોટા ખાડામાં પડતા પડતા માંડ બચ્યા હતા. લોકો પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે, કારણ કે તેઓ જીવના જોખમે પણ પ્રજાની સેવા કરી રહ્યા છે.
સફેદ રણ અને હમીરસર તળાવની પરિસ્થિતિ:
વરસાદને કારણે કચ્છનું પ્રખ્યાત સફેદ રણ, જે સામાન્ય રીતે શિયાળામાં પ્રવાસીઓથી ભરાયેલું હોય છે, તે હાલમાં એક વિશાળ જળાશયમાં ફેરવાઈ ગયું છે. ધોરડો ખાતે આવેલું આ સફેદ રણ પાણીના દરિયા જેવું લાગી રહ્યું છે, અને આ અદ્ભુત દૃશ્ય જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
આ સાથે જ, ભુજ શહેરમાં પણ ભારે વરસાદના કારણે હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે. તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી ભુજવાસીઓ મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે એકઠા થયા છે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
