વડોદરા શહેરમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બની ગયા હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે. બરોડા સેન્ટ્રલ જેલના પોલીસ કર્મી અને તેની ટોળકીએ એક યુવકનું અપહરણ કરીને પોલીસની ઓળખ આપી ₹4 લાખની ખંડણી માંગી હોવાનો ગુનો માંજલપુર પોલીસ મથકમાં દાખલ થયો છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે વોન્ટેડ છે.
ઇન્સ્ટાગ્રામથી મિત્રતા અને MSUનું બહાનું
પોલીસ ફરિયાદ મુજબ, આ સમગ્ર કાવતરાની શરૂઆત થોડા દિવસો અગાઉ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થઈ હતી. આરોપીઓમાંથી એક ઇસમ ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ મહિલાએ MSU યુનિવર્સિટીમાં કામ હોવાનું જણાવી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી યુવક મહિલાને પોતાની ઇનોવા કારમાં એમએસયુ યુનિવર્સિટી લઈ આવ્યો હતો. કામ પત્યા બાદ બંને પરત ફરી રહ્યા હતા ત્યારે ખંડણીખોરોએ પોતાનો ખેલ શરૂ કર્યો.
ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ અને અમદાવાદ પ્રવાસ
ફરિયાદી અને મહિલા જ્યારે બરોડા ડેરીથી સુશેન તરફના રસ્તા પર જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડીને અન્ય એક ગાડી દ્વારા રોકવામાં આવી. તે ગાડીમાંથી ત્રણ ઇસમ ઉતરીને ફરિયાદીની કારમાં આવીને બેસી ગયા. તેમણે ફરિયાદીને પોતે પોલીસમાં હોવાની ઓળખ આપીને ડરાવવાનું શરૂ કર્યું. થોડે આગળ ગયા બાદ, આરોપીઓમાંથી એક શખ્સ ફરિયાદીની મહિલા મિત્રને લઈને ગાડીમાંથી ઉતરી ગયો અને તે અલગ ગાડીમાં નીકળી ગયો. જ્યારે અન્ય બે આરોપીઓએ ફરિયાદી અને તેના ડ્રાઈવરને તેમની જ ગાડીમાં એક્સપ્રેસ વે પરથી અમદાવાદ સુધી લઈ ગયા. ત્યાં તેમણે ફરિયાદીને ધમકાવીને પૈસાની માંગણી કરી.
લાલબાગ બ્રિજ નજીક પૈસા પડાવ્યા
ધમકીઓથી ડરી ગયેલા ફરિયાદીને આરોપીઓએ વડોદરા પરત લાવ્યા હતા અને ફરિયાદીના ભાઈને લાલબાગ બ્રિજ નજીક આવેલા ATM પાસે ₹4 લાખ મૂકવાનું કહ્યું હતું. ફરિયાદીના ભાઈએ પૈસા મૂક્યા બાદ આરોપીઓ તે લઈને ફરાર થઈ ગયા હતા અને ફરિયાદીનો ફોન પણ લઈ લીધો હતો.
પૈસા પડાવ્યા બાદ પણ આરોપીઓએ બીજા દિવસે વધુ રકમની માંગણી કરવા માટે ફરીથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો, જેનાથી ફરિયાદીને આરોપીઓની ઓળખ થઈ હતી અને તેણે તાત્કાલિક માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બે આરોપીઓની અટકાયત, બે વોન્ટેડ
ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓ – આફતાબ પઠાણ અને યાજ્ઞિકની ધરપકડ કરી છે. આ બંને પૈકી એક બરોડા સેન્ટ્રલ જેલનો પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અન્ય બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ મામલે ખંડણીખોરોની આખી ટોળકી પર કડક કાર્યવાહી થવાની સંભાવના છે.
