ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)–૨૦૨૫ અંતર્ગત વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનેક નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે.
મૂળભૂત તબક્કામાં બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા વિતરણની કામગીરી પૂર્ણ કરાઈ છે, જ્યારે પાંચ લાખથી વધુ ફોર્મ્સનું સફળતાપૂર્વક ડિજિટાઈઝેશન પણ થઈ ગયું છે.
નામ શોધવા માટે મળશે વધુ વિકલ્પો
ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા આગામી ચાર દિવસ માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. મતદારોને તેમનું નામ, બૂથ, સોસાયટી અને વિસ્તાર સરળતાથી શોધી શકાય તે માટે નવા સર્ચ ઓપ્શન સાથેની પીડીએફ સામગ્રી અને QR કોડ્સ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવા વિકલ્પોમાં મતદારો હવે માત્ર વિસ્તાર કે નામ ઉપરાંત, સમગ્ર વિધાનસભામાંથી પણ પોતાનું નામ શોધી શકશે, જે ઓનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે.
નોકરિયાત વર્ગ માટે સાંજના ખાસ કેમ્પો
ગત ૧૬ અને ૧૭ નવેમ્બરના વિશેષ કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારીને ધ્યાનમાં રાખીને, આ પ્રક્રિયાને વધુ વિસ્તૃત બનાવાઈ છે:
આવતીકાલે: શહેરની લગભગ ૨૦૦ જેટલી સોસાયટીઓમાં સાંજના સમયે કેમ્પો યોજાશે.
પરમ દિવસે: વધારાની ૨૦૦ જેટલી સોસાયટીઓમાં સાંજના સમયે કેમ્પો યોજાશે.
સાંજના સમયે આ કેમ્પો યોજવાનો મુખ્ય હેતુ એ છે કે નોકરી અને ધંધા પરથી પરત ફરેલા નાગરિકોને મેપિંગ, મેચિંગ અને કલેક્શન પ્રક્રિયામાં સરળતા રહે. આ કેમ્પોમાં BLO સાથે મોટી સંખ્યામાં વોલન્ટીયર્સ, શિક્ષક મિત્રો, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ શિક્ષકોની સેવાઓ જોડાશે.
યુનિવર્સિટીના યુથ વોલન્ટીયર્સની મદદ
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો સાથે બેઠક યોજીને યુથ વોલન્ટીયર્સને આ કાર્યમાં જોડવા સૂચના આપવામાં આવી છે. આ યુવાનો મતદારોને સ્થાન શોધવામાં, મેપિંગ-મેચિંગ પ્રક્રિયામાં તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડશે.
નોંધનીય છે કે, જે નાગરિકોનું મેપિંગ અથવા પ્રોજેની મેચિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે, તેમને કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેતી નથી. દસ્તાવેજોની અછત ધરાવતા નાગરિકો માટે VMC તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ દસ્તાવેજ સહાય કેમ્પો પણ યોજાશે.
ડૉ. ધામેલિયાએ અપીલ કરી છે કે, SIR-૨૦૨૫ની કામગીરી ૪ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે, તેમ છતાં નાગરિકો આગામી શનિવાર-રવિવારના વિશેષ બૂથ કેમ્પોનો વધુમાં વધુ લાભ લે.
