વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના શ્રીગણેશ થાય તે પહેલા જ શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં ‘પોસ્ટર વોર’ શરૂ થઈ છે. ગોત્રી, વાસણા અને ભાયલી જેવા વિસ્તારોમાં રાતોરાત ભાજપના સ્થાનિક નેતાઓ સામે રોષ વ્યક્ત કરતા બેનરો લાગતા સત્તાધારી પક્ષમાં દોડધામ મચી ગઈ છે.
“મોદીજીના નામે ક્યાં સુધી?” — સીધો પ્રહાર
શહેરના વિવિધ સર્કલો અને મુખ્ય માર્ગો પર લાગેલા આ પોસ્ટરોમાં સીધો સવાલ કરવામાં આવ્યો છે કે, “મોદીજીના નામ પર કેટલા સમય સુધી વોટ માંગશો?” આ પોસ્ટરો દ્વારા મતદારોને જાગૃત થવા અને માત્ર ચહેરાને બદલે સ્થાનિક પ્રશ્નોને મહત્વ આપવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વાસણા-ભાયલી રોડ પર લાગેલા આ બેનરોએ રાજકીય ગલિયારાઓમાં ગણગણાટ તેજ કરી દીધો છે.
‘સ્થાનિકને જ ટિકિટ આપો’ની ઉગ્ર માંગ
પોસ્ટરોમાં માત્ર વિરોધ જ નહીં, પણ એક સ્પષ્ટ માંગણી પણ કરવામાં આવી છે કે આગામી ચૂંટણીમાં ‘સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ’ આપવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના જ કેટલાક નારાજ સ્થાનિક કાર્યકરો અને રહીશો દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે દર વખતે રાષ્ટ્રીય નેતૃત્વના નામે નબળા કે બહારના ઉમેદવારો થોપી બેસાડવામાં આવે છે, જેના કારણે સ્થાનિક પ્રશ્નો વણઉકલ્યા રહે છે.
ટિકિટ વાંચ્છુકોના સમીકરણો જોખમમાં
આ પોસ્ટર વોરને પગલે ભાજપના મોવડી મંડળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જે નેતાઓ પીએમ મોદીના નામ અને કામ પર ચૂંટણી જીતવાની આશા રાખીને બેઠા હતા, તેમના સમીકરણો હવે બગડવાની શક્યતા છે. એક તરફ ભાજપ જ્યારે વિકાસના મુદ્દે મેદાનમાં છે, ત્યારે બીજી તરફ વડોદરાના પોશ વિસ્તારોમાં જ ‘મોદી કાર્ડ’ સામે સવાલ ઉઠતા વિપક્ષને પણ નવું ભાથું મળી ગયું છે. હાલમાં આ પોસ્ટરો કોણે લગાવ્યા તે રહસ્ય અકબંધ છે, પરંતુ વડોદરામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તે ચોક્કસ છે.
