આણંદ: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉમરેઠ પેટાચૂંટણીની પૂર્વતૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ પાસાઓ પર અધિકારીઓને માર્ગદર્શન
મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરીનો રિપોર્ટ મેળવ્યો હતો. સમીક્ષા દરમિયાન નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો :
મેનેજમેન્ટ અને સિક્યોરિટી: મેન પાવર, ટ્રેનિંગ, ટ્રાન્સપોર્ટ અને મટીરીયલ મેનેજમેન્ટની સાથે સાયબર સિક્યોરિટી અને ઈવીએમ (EVM) મેનેજમેન્ટની સઘન સમીક્ષા કરાઈ હતી.
આદર્શ આચારસંહિતા (MCC): આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને ચૂંટણી ખર્ચ પર કડક દેખરેખ રાખવા સૂચના અપાઈ હતી.
વિશેષ મતદાન સુવિધા: દિવ્યાંગ મતદારો (PwD) માટેની સુવિધાઓ અને વયોવૃદ્ધ મતદારો માટે ‘હોમ વોટિંગ’ (ઘરે બેઠા મતદાન) ની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
મતદાનની ટકાવારી વધારવા ‘સ્વીપ’ પર ભાર
સંદીપ સાગળેએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી વધવી જોઈએ. આ માટે ‘સ્વીપ’ (SVEEP) અંતર્ગત વધુમાં વધુ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવા આહવાન કર્યું હતું.
જિલ્લા ચૂંટણી તંત્રની તૈયારીઓ
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન અને તમામ નોડલ અધિકારીઓએ પોતપોતાના વિભાગની તૈયારીઓથી મુખ્ય નિર્વાચન અધિકારીને વાકેફ કર્યા હતા. ઉમરેઠમાં શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સમગ્ર તંત્ર રાત-દિવસ કાર્યરત છે.
