વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરાનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ માટે આજનો દિવસ ‘બ્લેક ડે’ સમાન સાબિત થયો છે, કારણ કે એક પછી એક ઉમેદવારોએ મેદાન છોડીને ભાજપનો છેડો પકડતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11 માં બનેલી ઘટનાઓએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે.
વોર્ડ 2: લિફ્ટમાં ડ્રામા અને પોલીસ પ્રોટેક્શન
વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ જ્યારે મામલતદાર કચેરીએ પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા ત્યારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોકવા માટે ભારે વિરોધ કર્યો અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ અરાજકતા વચ્ચે ભૂમિ પ્રજાપતિ અને તેમનો પરિવાર લિફ્ટ દ્વારા બીજા માળે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થતા તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આખરે પોલીસે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફોર્મ ખેંચ્યા બાદ તુરંત જ યુવા મોરચા પ્રમુખ ડો. હેમાંગ જોષીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

વોર્ડ 11: ભાજપના વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા
સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 11 માં જોવા મળ્યો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કનુ પ્રજાપતિ છેલ્લા બે દિવસથી ગુમ હતા અને અચાનક અકોટા મામલતદાર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. હવે આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર અને દલસુખભાઈના પુત્ર વિષ્ણુ પ્રજાપતિ સામે અન્ય કોઈ મજબૂત હરીફ ન હોવાથી તેમની બિનહરીફ જીત નિશ્ચિત મનાઈ રહી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરી ઉમેદવારોને ડરાવી-ધમકાવીને બેસાડી દીધા છે.
‘બાપુ વેચાય નહીં’: દિલીપ પટેલના દમખમથી જંગ તેજ
આટલા ‘ખેલા’ વચ્ચે વોર્ડ નંબર 2 ના અન્ય એક કોંગ્રેસ ઉમેદવાર દિલીપ પટેલે અડગ રહીને મક્કમતા બતાવી છે. તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે તેમને બેસી જવા માટે પારિવારિક અને અનેક દબાણ હેઠળના ફોન આવ્યા હતા. પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “બાપુ ક્યારેય વેચાય નહીં, મને કોઈ ખરીદી શકવાનું નથી.” તેમના આ મક્કમ વલણને કારણે હવે વોર્ડ નંબર 2 નો જંગ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે.
વડોદરામાં ભાજપની આ રણનીતિને કારણે અનેક વોર્ડમાં કોંગ્રેસની લડત નબળી પડી છે, જ્યારે ભાજપની રાહ વધુ સરળ બની રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
