અમદાવાદ: ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું હતું, પરંતુ જમીન પર ઇમરજન્સી સેવાઓ માટેનો દિવસ અત્યંત પડકારજનક રહ્યો હતો. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર રાજ્યમાં ૧૦૮-EMS ઇમરજન્સી સેવાને કુલ ૫૮૯૭ કોલ મળ્યા હતા. આ આંકડો સામાન્ય દિવસોની સરખામણીમાં ૩૩% નો વધારો દર્શાવે છે, જે સૂચવે છે કે તહેવારના હરખમાં બેદરકારી અને અકસ્માતોએ માજા મૂકી હતી.
પતંગ અને દોરીના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ
તહેવાર દરમિયાન પતંગ સંબંધિત (નોન વ્હીક્યુલર) કેસોમાં આશ્ચર્યજનક રીતે ૧૭૧% નો વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે રોજિંદા સરેરાશ ૪૮૪ કેસો નોંધાતા હોય છે, જે ઉત્તરાયણના દિવસે વધીને ૧૩૧૩ થયા હતા.
ગળામાં દોરી વાગવાના કિસ્સા: ૧૮૨ કેસો નોંધાયા.
ધાબા પરથી પડવાના કિસ્સા: ૪૮૮ લોકો ઊંચાઈ પરથી પડતા તેમને હોસ્પિટલ ખસેડાયા.
શારીરિક હુમલા: રાજ્યમાં પતંગ કાપવા કે અન્ય બોલાચાલીમાં ૫૩૮ શારીરિક હુમલાના કેસો નોંધાયા. જેમાં અમદાવાદ (૧૫૦ કેસ), સુરત (૫૫ કેસ) અને પંચમહાલ (૩૯ કેસ) મોખરે રહ્યા હતા.
રોડ એક્સિડન્ટમાં પણ મસમોટો ઉછાળો
માર્ગ અકસ્માત (વ્હીક્યુલર ટ્રોમા) ના કેસોમાં પણ ૧૧૮.૭૧% નો વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોના ૫૮૧ કેસોની સામે ઉત્તરાયણના દિવસે આ સંખ્યા ૧૨૭૦ પર પહોંચી હતી.
- અમદાવાદ: ૧૯૮ અકસ્માત સાથે પ્રથમ નંબરે.
- સુરત: ૧૩૦ અકસ્માતો નોંધાયા.
- વડોદરા: ૮૮ રોડ એક્સિડન્ટના કેસો સામે આવ્યા.
અમદાવાદ અકસ્માતોનું એપીસેન્ટર
સમગ્ર રાજ્યમાં ઇમરજન્સી કેસોમાં અમદાવાદ શહેર મોખરે રહ્યું છે. પછી ભલે તે માર્ગ અકસ્માત હોય કે પતંગ ઉડાવતા થતી ઈજાઓ. ૧૦૮ ની ટીમ દ્વારા સતત કામગીરી કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાઈ હતી. જોકે, હજુ પણ વાસી ઉત્તરાયણના દિવસે આ આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.
