વડોદરા: વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે તસ્કરો મોઢે રૂમાલ બાંધી કે હથિયારો સાથે જોવા મળતા હોય છે, પરંતુ અહીં તસ્કરો કોઈ મોટી કોર્પોરેટ ઓફિસમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા હોય તેવા ‘ઇસ્ત્રી ટાઇટ’ ફોર્મલ કપડાં અને ઈન-શર્ટ પહેરીને ચોરી કરવા આવ્યા હતા. આ શાતિર તસ્કરોએ ઉદ્યોગપતિના બંધ મકાનને નિશાન બનાવી ૧૮ લાખ રૂપિયાની મત્તા પર હાથ સાફ કર્યો છે.
ઉદયપુર પ્રવાસ દરમિયાન ઘર બન્યું નિશાન
નંદનવન સોસાયટીમાં રહેતા અને ડામરની પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ ગત ૧૨ જાન્યુઆરીના રોજ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા. ઉત્તરાયણના દિવસે સવારે તેમના મિત્ર સંજય રાણાએ જોયું કે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો છે અને સામાન વેરવિખેર છે. નરેશભાઈએ પરત આવી તપાસ કરતા જાણવા મળ્યું કે તિજોરીમાંથી ૪ લાખ રોકડા, ૧૪ લાખના સોના-ચાંદીના દાગીના અને ૪ મોંઘી કાંડા ઘડિયાળ ચોરાઈ ગઈ છે.
CCTV ફૂટેજમાં તસ્કરોની બિન્ધાસ્ત હિલચાલ
સોસાયટીના CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે રાત્રે અંદાજે ૨:૧૧ વાગ્યે તસ્કરો સોસાયટીમાં પ્રવેશે છે. કોઈને શંકા ન જાય તે માટે તેઓએ ફોર્મલ પેન્ટ-શર્ટ પહેર્યા હતા. ફૂટેજમાં એક શખ્સ કમ્પાઉન્ડ વોલ કૂદીને પહેલા ઘરની લાઈટ બંધ કરે છે અને પછી અંદર પ્રવેશે છે. ત્રણ તસ્કરો પૈકી બે અંદર ઘૂસ્યા હતા જ્યારે એક બહાર વોચમાં હતો. અવાજ થતા તસ્કરો કમ્પાઉન્ડમાં છુપાઈ જતા પણ દેખાયા હતા.
લગ્ન હોવાથી દાગીના બેંક લોકરમાંથી ઘરે લાવ્યા હતા
નરેશભાઈના જણાવ્યા મુજબ, સુરક્ષાના કારણોસર દાગીના હંમેશા બેંક લોકરમાં જ રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં એક સંબંધીના લગ્ન હોવાથી દાગીના ઘરે લાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ તે પરત લોકરમાં મૂકાય તે પહેલા જ તસ્કરો ત્રાટક્યા હતા.
સમા પોલીસે આ મામલે ગુનો નોંધી, એફ.એસ.એલ (FSL) ની મદદ લીધી છે. ઉલ્લેખનીય છે કે તહેવારોમાં જ્યારે લોકો ઘર બંધ કરીને બહાર જતા હોય છે, ત્યારે તસ્કરો સક્રિય બને છે. સ્થાનિકોની માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી આવી ‘હાઈ-પ્રોફાઈલ’ ચોરીઓ અટકાવી શકાય.
