સુરત: સુરતના સારોલી વિસ્તારમાં થોડા સમય અગાઉ એક લગ્ન પ્રસંગ દરમિયાન નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 9 લાખની ચોરીની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સારોલી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી લગ્ન પ્રસંગમાં મહેમાનના સ્વાંગમાં પ્રવેશતો હતો અને ભીડનો લાભ લઈ કિંમતી સામાનની બેગ સેરવી લેતો હતો.
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સફળ ઓપરેશન
સારોલી પોલીસની ટીમે આ ચોરીના ભેદ ઉકેલવા માટે સુરતથી લઈને છેક વડોદરા સુધીના હાઈવે અને રેલવે સ્ટેશનના સેંકડો CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. જેના આધારે સારોલી પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી.
તસ્કરોના ગઢમાંથી આરોપીની ધરપકડ
પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક એવા ગામમાંથી અરુણકુમાર ઉમેશ કુમાર બાનેરીયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જે ગામ ‘તસ્કર બનાવવા માટેની વિશેષ તાલીમ’ આપવા માટે કુખ્યાત છે. આ ગામમાં બાળકો અને યુવાનોને ભીડભાડવાળી જગ્યાઓ અને લગ્ન પ્રસંગોમાં ચોરી કરવાની તાલીમ આપવામાં આવતી હોવાનું મનાય છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.
9 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર
સારોલી પોલીસે આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ રૂ. 4.41 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 9.07 લાખનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપી અગાઉ અન્ય કેટલા લગ્ન પ્રસંગોમાં ચોરી કરી ચૂક્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત પોલીસની આ કામગીરીની લગ્ન પ્રસંગોમાં ભોગ બનેલા પરિવારોમાં સરાહના થઈ રહી છે.
