અમદાવાદ: દુબઈથી તેલ અવીવ (ઈઝરાયેલ) જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટ FZ1073 માં મધ્ય આકાશમાં સર્જાયેલી ભયાનક કટોકટી દરમિયાન ૧૮૦ થી વધુ મુસાફરોના જીવ બચાવનાર અસલી હીરો એક ભારતીય અને મૂળ ગુજરાતના પાઇલટ હોવાનું સામે આવ્યું છે. બ્રહ્મક્ષત્રિય પરિવારમાંથી આવતા અને વ્યાપક અનુભવ ધરાવતા પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારે (Smit Machchhar) પોતાના કો-પાઇલટના કાયરતાપૂર્ણ અને ખતરનાક ઈરાદાને નિષ્ફળ બનાવીને વિમાનને મોટો અકસ્માત થતાં બચાવી લીધું હતું. કો-પાઇલટે કોકપિટમાં જ હુમલો કરીને બોઈંગ ૭૩૭ વિમાનને નીચે તરફ ક્રાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્મિત મચ્છારની સમયસૂચકતા અને અપ્રતિમ સાહસને કારણે વિમાનને સાઉદી અરેબિયાના તબૂક ખાતે સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઉડાન દરમિયાન ઓમાની મૂળના કો-પાઇલટે અચાનક ઉશ્કેરાઈને કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરી દીધો હતો અને વિમાનનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈને તેને ઝડપથી નીચે તરફ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં કો-પાઇલટે ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી કેપ્ટન સ્મિત પર વાર પણ કર્યો હતો. તેમ છતાં, ગંભીર સ્થિતિમાં પણ સ્મિત મચ્છારે હિંમત હાર્યા વિના હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં રાખવા સખત સંઘર્ષ કર્યો હતો. કેબિન ક્રૂ અને મુસાફરોની મદદથી આખરે હુમલાખોરને બાંધી દેવામાં આવ્યો હતો. આ અફરાતફરી વચ્ચે વિમાને સ્ક્વોક કોડ ટ્રાન્સમિટ કર્યા હતા, જેણે જમીન પર સિક્યુરિટી એજન્સીઓ અને ઈઝરાયેલ સૈન્યને પણ એલર્ટ કરી દીધું હતું.
મૂળ ગુજરાતના સ્મિત મચ્છાર એવિએશન સેક્ટરમાં ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. જૂન ૨૦૨૨માં ફ્લાયદુબઈમાં ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે જોડાતા પહેલાં તેમણે ભારતીય એરલાઇન સ્પાઇસજેટ (SpiceJet) સાથે ૧૧ વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી. તેમની પાસે ૧૩ વર્ષથી વધુનો વ્યાવસાયિક ઉડ્ડયન અનુભવ છે અને બોઈંગ ૭૩૭ (B737-800 અને B737 MAX) વિમાનો પર આશરે ૯,૭૫૦ કલાક કરતાં વધુ ઉડ્ડયનનો પ્રશંસનીય ટ્રેક રેકોર્ડ છે. સ્પાઇસજેટમાં તેઓ સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમણે પાઇલટ ટ્રેનિંગ અને ફ્લાઇટ સ્ટાન્ડર્ડ્સનું પણ નિર્દેશન કર્યું હતું.
ઈઝરાયેલી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા આ ઘટનાને એક આતંકવાદી ષડયંત્ર કે વિમાન ક્રેશ કરવાનો સુસાઈડલ પ્રયાસ ગણાવી રહ્યા છે અને સાઉદી અરેબિયાની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફ્લાયદુબઈએ ઘટનાની પુષ્ટિ કરતા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. મધ્ય આકાશમાં ઊભી થયેલી મૃત્યુસમાન કટોકટીમાં પોતાની જાનના જોખમે ૧૮૦ નિર્દોષ મુસાફરોને બચાવનારા ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છારની વિરતા અને કુશળતાની આજે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં ભારે સરાહના થઈ રહી છે.
મૂળ ગુજરાતના સ્મિત મચ્છારના પ્રધાનમંત્રીએ પણ વખાણ કર્યા હતા. આ સાથે મુખ્યમંત્રીએ કેપટનના વખાણ કરતાં લખ્યું કે, “ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.”
